ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો; નલિયા 14.1 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી વધી રહી છે. રાજ્યમાં સવારે અને રાત્રીના સમયે ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં શિયાળા (Winter in Gujarat) અંગેની આગાહી કરવામાં આવી છે. આજે 21મી નવેમ્બરે આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણમાં આંદામાન સમુદ્ર પર ચક્રવાત સર્જાવાની શક્યતા હોવાથી 23મી નવેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધી શકે છે.
હવામાન વિભાગનાં અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચારથી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. જેમાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. ઉત્તર-પશ્ચિમના પવનોની દિશા બદલાતા હજી ઠંડી વધશે.
નલિયા સૌથી ઠંડુ શહેર:
બુધવારે નલિયા 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટમા 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 19 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, રાજકોટમાં 16 ડિગ્રી ભાવનગરમાં 19 ડિગ્રી, સુરતમાં 21 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
આ પણ વાંચો…..ગુજરાતમાં જંત્રી માટે મુસદ્દો જાહેર: આ તારીખ સુધી વાંધા-સૂચનો રજૂ કરવાની તક…
અમદાવાદમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો
રાજ્યમાં ઘટતા તાપમાનની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાન નીચું જઈ રહ્યું છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, બપોરના સમયે હજી પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે, એકંદરે તાપમાનમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો ચમકારો થવા લાગ્યો છે.