ટૂંક સમયમાં ગાંધીનગર અને અમદવાદ વચ્ચે મેટ્રો દોડશે, બીજા તબક્કાની ટ્રાયલ રન શરૂ
અમદવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ શુક્રવારે ગાંધીનગર અને મોટેરા વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કર્યા હતા. ગુરુવારે, ટ્રેન અને એન્જિન રોલઆઉટ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ પ્રશાસન મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આ મેટ્રો રૂટને મુસાફરોની અવરજવર માટે શરુ કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ મહિનાની શરૂઆતમાં, પ્રસાશને મોટેરાથી સેક્ટર-I સુધીના ટ્રેકની જાહેરાત કરી હતી, જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)ને પણ આવરી લે છે. મોટેરાને લોકસભાની ચૂંટણી પછી ટૂંક સમયમાં ગાંધીનગર સાથે મેટ્રો ટ્રેનથી જોડવામાં આવશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મહાત્મા મંદિર સુધીનો સમગ્ર રૂટ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. અધિકારીને જણાવ્યા મુજબ “મોટેરા અને ગાંધીનગરને જોડતા સ્ટ્રેચ પર પ્રી-ટ્રાયલ રન શરૂ થઈ ગયો છે”
GMRCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કામ એકસાથે ચાલશે પરંતુ ચૂંટણી પહેલા મેટ્રોને ટ્રેક પર મૂકવી એ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે “હવે જ્યારે ટ્રાયલ શરૂ થઈ ગઈ છે, ત્યારે મુખ્ય મેટ્રો રેલ સુરક્ષા અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે. જ્યારે આચારસંહિતા લાગુ હોય ત્યારે પણ આ કામ ચાલુ રહેશે.”