અમદાવાદ ફાયર બ્રિગેડે આગમાંથી જીવ તો બચાવ્યા પણ સાથે સોનું પણ…

ઘરમાં આગ લાગે ત્યારે પહેલો વિચાર જીવ બચાવવાનો જ આવે, પણ જીવ બચી ગયા પછી ફરી જીવન જીવવા એ જ વસ્તુઓ અને વ્યવસ્થાઓ જોઈએ. આગ બુઝાઈ ગયા બાદ બળેલી ઘરવખરી ને વસ્તુઓ જોઈને ઘણાને ધ્રાસ્કો પડી જાય કારણ કે વર્ષો ખર્ચી ભેગું કરેલુ બધુ ફરી ભેગું કરવું સહેલું નથી હોતું. તો જેમનું જમાપૂંજી જેવું 90-100 તોલા સોનું ઘરમાં હોય તેમની કેવી હાલત થઈ હશે.?. જોકે અમદાવાદના આ પરિવારે જીવનભર ફાયર બ્રિગેડના જાંબાઝ જવાનોનુ આભારી રહ્વું પડશે કારણ કે આ જવાનોએ તેમના જીવની સાથે સાથે જીવનમૂડી એવું 90 તોલા જેટલું સોનું પણ ખાખ થતાં બચાવ્યું છે.
અહીંના નારાણપુરા વિસ્તારમાં આવેલી પંચનિધી બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી. લોકો તો ફટાફટ બરાહ નીકળી ગયા હતા. પણ પાંચમા માળે જેમના ઘરમાં આગ લાગી તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને એટલું જ નહીં સોનુ પણ ઝવેરાત પણ આ રાખમાં દટાઈ ગયા હતા. તેવામાં ફાયર બ્રિગેડની ટીમે સૌથી પહેલા તો આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પ્રસરી જતા અટકાવી અને બાદમાં અંદર ઘરવખરીની સામગ્રી સહિતની વસ્તુઓની ચકાસણી શરૂ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી ઘરેણાનું બોક્સ મળ્યું હતું. આ બોક્સમાંથી સોનું બચાવી જવાનોએ માલિકને સોંપ્યું હતું.
બોક્સમાં મકાનમાં રહેતા શખસના લગભગ 80-90 તોલા સોનાના દાગીના હતા. જેને સુરક્ષિત બહાર લાવવામાં ફાયર બ્રિગેડની ટીમનો મોટો હાથ રહેલો જોવા મળ્યો છે. ફાયર સેફટી અધિકારીએ આગ બુઝાવી દીધા બાદ ઘરેણાના બોક્સ ખોલવાનું શરૂ કર્યું હતું. જેમાં આ ઘરેણાના બોક્સને મોટાપાયે નુકસાન પહોંચ્યું હતું. એટલું જ નહીં તે બળીને ખાખ થઈ ગયા હતા.
તો કેટલાક બોક્સની અંદર જે ઘરેણા રહેલા હતા તે સુરક્ષિત હતા. એક એક કરીને આ ફાયર સેફટી અધિકારીએ તમામ ઘરેણા એક થેલીમાં મુક્યા હતા. અહીં રહેતા શર્મા પરિવારે જણાવ્યું હતું કે તેઓ મંદિરમાં દીવો પ્રગટાવી જમવા ગયા હતા. દીવાની વાટ ઉંદર ખેંચી જતા આગ લાગી હતી. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.