અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઊલ્ટી અને ટાઇફોઇડના સંખ્યાબંધ કેસોમાં વધારો
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ગરમી બાદ ફરી એકવાર ચોમાસામાં ઠેર ઠેર દર્દીઓના ખાટલા(disease outbreak in Ahmedabad) જોવા મળી રહ્યા છે. પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝાડા-ઉલટી, કમળા અને ટાઈફોઈડના કેસો વધ્યા છે. ચોમાસાની શરૂઆતમાં છેલ્લા એક સપ્તાહમાં 1448 કેસ ઝાડા-ઊલ્ટી, 675 કેસ ટાઇફોઇડ, 293 કેસ કમળો અને 51 કેસ કોલેરાના નોંધાયા છે. ચોમાસા પૂર્વે લેવાયેલા પ્રિ-મોન્સૂન પ્લાનની કામગીરીની વાતો ખોટી સાબીત થઈ ગઈ છે. બીજી તરફ મનપા કમિશનર દ્વારા ટેમ્પરરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખીને તળાવોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી.
અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ કુંભકરણની નિંદ્રામાં હોય તેવું લાગે છે. પૂર્વ વિસ્તારોમાં ભરાયેલા પાણીનો સમયસર નિકાલ નહીં થવાથી અને ગંદકીના લીધે અમરાઇવાડી, બહેરામપુરા, ગોમતીપુર, દાણીલીમડાં, દરિયાપુર, ઇન્દ્રપુરી, નરોડા, નવરંગપુરા, રામોલ-હાથીજણ, ઇસનપુર, ખાડિયા, લાંભા, વિરાટનગર, મક્તપુરા, મણિનગર, વસ્ત્રાલ, વટવા અને ઓઢવ વિસ્તાર ઉપરાંત વેજલપુર, રાણીપ, સરખેજમાં કોલેરા કેસમાં એકદમ વધારો નોંધાયો છે.
મચ્છરજન્ય રોગચાળામાં 30 કેસ સાદા મેલેરિયા, બે કેસ ચીકનગુનીયા અને 27 કેસ ડેન્ગ્યૂના નોંધાયા છે. જૂન મહિનામાં ડેન્ગ્યુ માટે 3,470 સીરમ સેમ્પલના નમૂના લેવાયા છે. જ્યારે 61,298 લોહીના નમૂના લીધાનો મનપા આરોગ્ય વિભાગે દાવો કર્યો છે. જૂનમાં 5,543 માંથી 148 પાણીના સેમ્પલ અનફીટ આવ્યા છે. પાણીની પાઇપો બદલવાની ફરિયાદો હોય ત્યાં ત્વરિત કામગીરી કરાય અને રોગચાળો ડામવા પ્રયાસ કરાય તેવી સત્તાપક્ષ અને વિપક્ષના પૂર્વના કોર્પોરટરોએ માંગ કરી છે.
મનપા હેલ્થ વિભાગના કર્મચારીઓ દવાનો છંટકાવ કરતાં નથી. ફરિયાદો પર ધ્યાન આપતાં નહીં હોવાની સત્તાપક્ષના જ કેટલાય કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરી છે. વિરોધ પક્ષે કહ્યું કે, પૂર્વ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલથી લઇ સાફ-સફાઇ માટે સ્પેશીયલ ટીમ બનાવી જોઇએ.
બીજીતરફ AMC કમિશનર દ્વારા ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાવા, કેચપીટોની સફાઈ, પાણી કેમ ઝડપથી ન ઉતર્યા, રોડ સેટલમેન્ટ, ભૂવા પડવા સહિતના મામલે ઈજનેર અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. તમે વર્ષોથી કામ કરો છો, વરસાદી પાણી ન ભરાય તે માટે કાયમી ઉકેલ લાવો, SOP બનાવો તેમજ ટેમ્પરરી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખીને તળાવોમાં વરસાદી પાણીનો નિકાલ કરવા સૂચના આપી હતી.
શહેરમાં કોલેરા, ટાઈફોઈડ, મચ્છરજન્ય રોગચાળો વધવાના મુદ્દે હેલ્થ અધિકારીઓને ખખડાવ્યા હતા. સાબરમતી નદીમાં 400 MLD પ્રદૂષિત પાણી ઠલવાતું હોવાથી પૂર્વ પટ્ટાના ઈન્ડસ્ટ્રીય યુનિટો, પ્રોસેસ હાઉસોમાં તપાસ કરવા કડક સૂચના આપી છે.
Also Read –