આપણું ગુજરાત

Ahmedabad Airport: અમદાવાદથી ટૂંક સમયમાં થાઈલેન્ડ, સાઉદી, મલેશિયાની સીધી ફ્લાઈટ શરુ થશે

અમદાવાદ: આ ઉનાળાના વિકેશનમાં મિડલઇસ્ટ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહેલા ગુજરાતીઓ માટે સારા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી મિડલઇસ્ટ અને દક્ષિણપૂર્વ એશિયાના દેશોની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળવાની છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા 31 માર્ચથી 26 ઑક્ટોબર, 2024 સુધીનું ઉનાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અમદાવાદથી બેંગકોક, કુઆલાલંપુર અને જેદ્દાહ સહિતના આંતરરાષ્ટ્રીય સ્થળોની સીધી ફ્લાઇટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મત મુજબ આ ફ્લાઈટ્સ શરુ થવાથી ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીને વધુ વેગ મળશે. હાલ 36 ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટીક સ્થળો સીધા SVPI એરપોર્ટ સાથે જોડાયેલા છે.


સુત્રોના જણાવ્યા મુજબ “થાઈ એર થાઈલેન્ડના બેંગકોક માટે તેની વિકલી ફ્લાઈટ્સની ફ્રિકવન્સીમાં વધારો કરે તેવી શક્યતા છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ પણ બેંગકોક માટે સીધી ફ્લાઈટ શરૂ કરશે. વધુમાં, એર એશિયા મલેશિયાના કુઆલાલંપુર માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી ધારણા છે જ્યારે અકાસા એર સાઉદી અરેબિયામાં જેદ્દાહ માટે સીધી ફ્લાઇટ શરૂ કરે તેવી શક્યતા છે.” જેદ્દાહની સીધી ફ્લાઇટ મક્કાના હજ યાત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે.
SVPI એરપોર્ટ પર દરરોજ 250 એરક્રાફ્ટની અવરજવર રહે છે. SVPI એરપોર્ટ પર સંયુક્ત આરબ અમીરાત (UAE) ના દુબઈ, અબુ ધાબી અને શારજાહ, સાઉદી અરેબિયાના જેદ્દાહ, કુવૈત, ઈંગ્લેન્ડના ગેટવિક અને લંડન, થાઈલેન્ડના બેંગકોક, વિયેતનામના હો ચી મિન્હ સિટી, મલેશિયાના કુઆલા લંપુર અને કતારમાં દોહા સાથે કનેક્ટિવિટી ધરાવે છે.


સુત્રોના જણાવ્યા મુજબ વિસ્તારા અમદાવાદથી ગોવા અને બેંગલુરુ માટે સીધી ફ્લાઈટ શરૂ કરે તેવી શક્યતા છે જ્યારે ઈન્ડિગો રાજકોટના હિરાસર એરપોર્ટ માટે સીધી ફ્લાઈટ શરૂ કરે તેવી અપેક્ષા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button