આપણું ગુજરાત

Gujarat: અમદાવાદને ગ્રીન સિટી બનાવવાની વાતો વચ્ચે હજારો વૃક્ષોનું નિકંદન નીકળી ગયુ

અમદાવાદઃ માત્ર દિલ્હી જ નહીં દેશના મોટા ભાગના નાના-મોટા શહેરોની હવા અશુદ્ધ છે અને આપણે સૌ આ ઝેરીલી હવા જ શ્વાસમાં ભરી રહ્યા છીએ. ત્યારે ગુજરાતમાં પણ પ્રદૂષણની સમસ્યા એટલી જ છે. અમદાવાદમાં પણ હવા પ્રદૂષણ છે અને અહીં ગરમી પણ ખૂબ પડે છે ત્યારે મહાનગરપાલિકા શહેરને ગ્રીન સિટી બનાવવાની વાત તો કરે છે, પણ બીજી બાજુ પ્રોજેક્ટના નામે કે વિકાસના નામે હજારો વૃક્ષોનો સોથ વાળતી જાય છે.

તાજેતરમાં જ એરપોર્ટથી હાંસોલ સર્કલ સુધીના રોડ ઉપર ૮૦થી ૧૦૦ વર્ષ જુના ઘટાદાર વૃક્ષો સાથે એક હજાર નાના-મોટા વૃક્ષોનું સિકસલેન રોડ બનાવવાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિકંદન કાઢવામાં આવ્યુ છે. આ રોડ ઉપર આવેલી વન વિભાગની નર્સરીમાં ઉગાડવામાં આવેલા નાના પ્લાન્ટની સાથે વર્ષો જૂનો ઘટાદાર વૃક્ષોનો પણ સોથ વાળી દેવામાં આવ્યો છે.


એરપોર્ટ રોડ ઉપર વી.વી.આઈ.પી. અને વી.આઈ.પી.ઓની સતત અવરજવર રહેતી હોવાથી એરપોર્ટથી હાંસોલ સર્કલ સુધી બંને તરફના ૧.૭ કિલોમીટર લંબાઈ ધરાવતા રોડને રુપિયા દસ કરોડથી વધુના ખર્ચથી સીટી એન્ટ્રી તરીકે ડેવલપ કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે અહીં સોસાયટીઓ દ્વારા ઉગાડવામાં આવેલા ઘણા જૂના વૃક્ષોને કાપી નાખવાની પરવાનગી ખુદ પાલિકાએ આપી હતી.


રોડ વાઈડનીંગના નામે દક્ષિણ-પશ્ચિમ ઝોનના જોધપુર ઉપરાંત વેજલપુર અને સરખેજ વોર્ડમાં નાના-મોટા મળી ૬૫ વૃક્ષ કાપવા પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા મંજુરી આપવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર અત્યારસુધીમાં ૮ વૃક્ષો રોડ વાઈડનીંગ માટે કાપવામાં આવ્યા છે. બાકીના વૃક્ષો હવે નહીં કાપવા એવો નિર્ણય તંત્ર તરફથી કરવામાં આવ્યો છે.


જોકે આ રીતે વૃક્ષો કાપવાનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે. મળતી માહિતી અનુસાર વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૬,૩૮૬ વૃક્ષો, વર્ષ 2018-19માં ૮૪,૮૪૯ વૃક્ષો ૨૦૧૯-૨૦માં ૧૧,૬૬,૩૮૭ વૃક્ષો, ૨૦૨૦-૨૧માં ૧૦,૧૩,૮૫૬, વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૨,૮૨,૦૧૪ અને વર્ષ 2૦૨૨-૨૩માં ૨૦,૭૫,૪૩૧ વૃક્ષો વાવવામાં આવ્યા છે. જોકે આ વૃક્ષોને ઉગતા ઓછામાં ઓછા દેસક વર્ષ લાગે છે. તે બાદ વાતાવરણમાં તેનો ફાયદો મળે છે અને ઘણા વૃક્ષો અધવચ્ચે જ મરી પરવારે છે. જ્યારે દર વર્ષે મોટા, તોતિંગ એવા 1,500થી 2,000 વૃક્ષો કાપવામા આવે છે. આ સત્તાવાર આંકડા છે, આ ઉપરાંત વરસાદ સમયે પડી જતા કે ગેરકાયદે કપાઈ જતા વૃક્ષોની સંખ્યા વધારે હોય શકે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button