અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ ‘ધરતીપુત્રે’ અંગોનું દાન કરીને 4 લોકોને નવજીવન બક્ષ્યું

ગુજરાતના અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બ્રેઈન ડેડ કિશન પરમારના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. કિશનના અંગ દાનમાંથી હાર્ટ, લીવર અને 2 કિડની મળી હતી. જેના કારણે મૃત્યુ બાદ પણ કિશન ચાર જરૂરિયાતમંદ લોકોને જીવનદાન આપનાર બન્યો હતો. ખેડા જિલ્લાના કપડવંજના 19 વર્ષીય કિશનભાઇ પરમાર બહેનને પરીક્ષા કેન્દ્ર પરથી પરત ફરતી વખતે અચાનક તેનું બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કિશન 2 એપ્રિલના રોજ બ્રેઇન ડેડ થતાં કિશનની માતાએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. બ્રેઇન ડેડ દિકરાનું અંગદાન કરીને માતાએ 4 અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું છે.
કિશનના પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તે ખેતીકામ કરી તેમના બે ભાઇ બહેન સાથેના પરિવારનું ભરણપોષણ કરતા હતા. કિશનને બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ કિશનભાઇના માતા ગીતાબેન ગિરધરભાઇ પરમારને સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમે દ્વારા અંગદાન વિષે સમજાવ્યું હતું. માતા ગીતાબેન પરમારે કાળજા પર પથ્થર મુકી ભારે હૈયે દિકરા કિશનનાં અંગોના દાન થકી બીજા ચાર જરૂરિયાતમંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો હતો.

આ સમગ્ર ઘટના વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આપણા સૌના પેટ ભરવાનું કામ કરતા જગતનાં તાત અંગદાતા ખેડૂત પરિવારે આજે ચાર વ્યકિતઓને અંગદાન થકી જીવનદાન આપવાનું મહાદાન કર્યુ છે. આજે આ પ્રસંગે અન્નદાતા ખેડૂત પરિવારનાં તેમના અંગદાન મહાદાનનાં પરોપકારી નિર્ણય માટે આપણે સૌ તેમના આભારી છીએ.
ડોક્ટર રાકેશ જોષીના જણાવ્યા મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ 148મું અંગદાન છે. અત્યાર સુધીમાં 148 અંગદાતાઓ પાસેથી કુલ 477 અંગો પ્રાપ્ત થયા છે. જેના થકી 460 લોકોને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
