‘શું અમે તમારા નોકર છીએ…?’ બોપલ પોલીસ મથકે ‘અજાણ્યા’ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ

અમદાવાદ: Bopal Police Viral Audio case અમદાવાદ પોલીસનું (Ahmedabad Police) માથું શરમથી ઝુકાવે તેવી એક ઘટના બહાર આવી છે. ફરિયાદી યુવતીને બોપલ પોલીસ સ્ટેશનના કર્મચારી ફોનમાં ગેરવર્તન કરતાં અને ગાળો આપતાનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ થયો હતો. પોડોશીની હેરાનગતિને લઈને પોલીસની મદદ માંગી રહેલી યુવતી પર ફોન પર પોલીસ કર્મચારી તેની સાથે ગેરવર્તન કરવા લાગે છે અને ‘શું અમે તમારા નોકર છીએ?’ તેવું કહીને ધમકાવતા હોવાનો ઓડિયો વાયરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ફરિયાદી યુવતી પાડોશીની હેરાનગતિને લઈને અગાઉ અરજી કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં પોલીસની મદદ માંગી હતી. તેમાં પોલીસ કર્મચારી સાથે ફોન પર મદદ માંગતા પોલીસ કર્મીનો પિત્તો ગયો હતો અને કહ્યું હતું કે આ પાવર ત્યાં બતાવો જેની સાથે ઝઘડો થયો છે. અને છેલ્લે છેલ્લે કથિત વાયરલ ઓડિયો ક્લિપમાં યુવતીને ગાળો આપ્યાનું પણ સંભળાય છે.
આ વાયરલ ઓડિયોની રાજ્યભરમાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. ફરિયાદી યુવતી સાથેના પોલીસ કર્મીના આવા વર્તનને લઈને લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે અને જેના લીધે લોકોમાં પોલીસની છબી પણ ખરડાઇ છે. જો કે આ મામલે ફરિયાદી યુવતીના પાડોશી ઉત્કર્ષ બારોટ અને ‘અજાણ્યા’ પોલીસકર્મી વિરુદ્ધ બોપલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે કેવા ‘કડક’ પગલાં લેવાશે તે સૌ કોઈ મીટ મંડીને બેઠું છે.