અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, શાળાનો કાર્યક્રમ તાત્કાલિક રદ કરાવી બાળકોને રવાના કરાયા
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં આવેલા સરદાર સ્મૃતિ સ્મારકના કાર્યાલયમાં ઇ-મેલ દ્વારા સ્મારકને બોમ્બ બ્લાસ્ટ વડે ઉડાવી દેવાની ધમકી કરતા પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. આ દરમિયાન સરદાર સ્મૃતિ સ્મારકના મેદાનમાં એક શાળાનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો હતો, જેને તરત જ બંધ કરાવી બાળકો-શિક્ષકો સહિત લોકોને રવાના કરી પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઓફિસના કર્મચારીઓએ પોલીસને જણાવ્યું હતું કે ઇ-મેલમાં 26 જાન્યુઆરી અને મકર સંક્રાતિ પહેલા સ્મારકને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવામાં આવશે તે પ્રકારની વિગતો લખેલી હતી. પોલીસે બોમ્બ સ્કવોડને બોલાવી સ્મારકમાં અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરાવ્યું હતું. હાલ સુધીમાં પોલીસને કોઇ શંકાસ્પદ સામગ્રી મળી નથી. સ્થાનિક પોલીસ અને SOGના અધિકારીઓ હજુ પણ સ્મારક પાસે લોકોના નિવેદન લેવા સહિતની કામગીરી કરી રહ્યા છે.
તો બીજી તરફ વલસાડના ધરમપુરના વિજ્ઞાન કેન્દ્રને પણ સ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની ઈ-મેલ દ્વારા ધમકી મળી છે. જેમાં વિજ્ઞાન કેન્દ્ર અને આસપાસના વિસ્તારમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે. ધરમપુરના જાહેર રસ્તા પર પણ પોલીસ ચેકિંગ કરાઈ રહ્યું છે.