અમદાવાદ એરપોર્ટની ઉડાન: 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાણ, વૈશ્વિક નેટવર્ક બમણું થયું…

અમદાવાદ: ડિસેમ્બર મહિનામાં વિદેશમાં વસતા ગુજરાતીઓ માટા પ્રમાણમાં સ્વદેશ આવતા હોય છે. શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેના અત્યાર સુધીના સૌથી વ્યસ્ત શિયાળા માટે સજ્જ થઈ રહ્યું છે, કારણ કે કોવિડ પહેલાના તેના ડાયરેક્ટ આંતરરાષ્ટ્રીય કનેક્શન્સનું નેટવર્ક લગભગ બમણું થઈ ગયું છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રવિવારથી લાગુ કરાયેલા શિયાળુ સમયપત્રકમાં 16 આંતરરાષ્ટ્રીય સ્થળો માટેની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે, જેમાં વધુ બે પ્રસ્તાવિત છે, જે કોવિડ પહેલાના નવ સ્થળો કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
મહામારી પહેલાં, અમદાવાદનો વિદેશી નકશો મુખ્યત્વે ગલ્ફ અને પસંદગીના એશિયન હબ્સ જેમ કે યુએઈમાં અબુ ધાબી, દુબઈ અને શારજાહ, કતારમાં દોહા, સાઉદી અરેબિયામાં જેદ્દાહ, થાઇલેન્ડમાં બેંગકોક, યુકેમાં ગેટવિક અને સિંગાપોરમાં સિંગાપોર પર કેન્દ્રિત હતો. કોવિડની બરાબર પહેલાં ઇસ્તંબુલ (તુર્કી) સાથે સીધું જોડાણ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યોજના ક્યારેય સાકાર થઈ શકી નહોતી.
પાંચ વર્ષ પછી, એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરનું આકાશ હવે મધ્ય અને દક્ષિણપૂર્વ એશિયા સુધી પહોંચી ગયું છે, જેમાં વિયેતનામના હો ચી મિન્હ સિટી, હનોઈ અને દા નાંગ, મલેશિયાના કુઆલા લમ્પુર, થાઇલેન્ડના બેંગકોક અને ડોન મુઆંગ, કુવૈતમાં કુવૈત સિટી, ઇરાકમાં નજફ અને ઈરાનમાં મશહદ જેવા નવા કનેક્શન્સનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું કે, અધિકારીઓ અઝરબૈજાનના બાકુ અને કઝાકિસ્તાનના અલ્માટી સાથે સીધી હવાઈ કનેક્ટિવિટી શરૂ કરવા માટે પણ વાતચીત કરી રહ્યા છે.

એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ, 2025 ના શિયાળુ સમયપત્રક માં અમદાવાદથી સાપ્તાહિક ફ્લાઇટ્સની સંખ્યા લગભગ 730 થી વધીને 1090 થશે, જે 49 ટકાનો વધારો દર્શાવે છે. ડોમેસ્ટિક ડિપાર્ચર દર અઠવાડિયે 600 થી વધીને 900 થશે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 22 આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા સંચાલિત થશે અને ડિપાર્ચરની સંખ્યા 130 થી વધીને લગભગ 190 થશે.
ડોમેસ્ટિક ડિપાર્ચર દર અઠવાડિયે 600 થી વધીને 900 થશે
તાજેતરના વધારાઓમાં હનોઈ અને હો ચી મિન્હ સિટી માટેની નવી દૈનિક ફ્લાઈટ્સ અને બેંગકોક માટેની વધુ ચાર વીકલી ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. અન્ય બે એરલાઈન્સે પણ શારજાહ અને જેદ્દાહ માટે દૈનિક અને મશહદ (ઈરાન) માટે અઠવાડિયામાં એકવાર સર્વિસ શરૂ કરી છે. દુબઈ અને વિયેતનામના દા નાંગ માટેની કેટલીક ફ્લાઈટ્સ હવે અઠવાડિયામાં છ વખત કાર્યરત રહેશે. સૂત્રએ જણાવ્યું હતું કે, મધ્ય અને દક્ષિણપૂર્વ એશિયાના નવા સીધા જોડાણો સાથે, શહેરનું નેટવર્ક વિકસિત થયું છે. આનાથી મુસાફરો માટે વધુ સારા વ્યવસાયના માર્ગો ખુલશે.
આ પણ વાંચો…અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિક હળવો કરવા ‘એલિવેટેડ કોરિડોર’ની તૈયારી: જાણો કારણો…



