Swachh Survekshan: સ્વચ્છ સર્વેક્ષણ 2023માં અમદાવાદને વોટર સરપ્લસ શહેર જાહેર કરાયું
અમદાવાદ: 1 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા ભારતના શહેરોમાં હાથ ધરાયેલા ‘સ્વચ્છ સર્વેક્ષણ’માં સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અમદાવાદને 15મું સ્થાન મળ્યું છે. ગુરુવારે કેન્દ્ર સરકાર દ્વારા 2023માં કરવામાં આવેલા સર્વેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉના સર્વેમાં આ જ કેટેગરીમાં અમદાવાદ 18મા ક્રમે હતું.
કેન્દ્ર સરકાર દ્વારા અમદાવાદને દેશના સર પ્લસ વોટર સપ્લાય ધરાવતા શહેરોમાંના એક તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે અને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) શહેર તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આને મોટી સિદ્ધિઓ ગણાવી હતી. અગાઉના સર્વેક્ષણમાં શહેરને વોટર સરપ્લસ અને ODF પ્રમાણપત્રો મળ્યા ન હતા. કેન્દ્ર સરકારે આ વર્ષે 10 લાખ અને 40 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીને બાદ કરી દીધી છે.
ગુજરાતના બે શહેરો સુરત અને અમદાવાદને આ વર્ષે સ્વચ્છ સર્વેક્ષણમાં 1 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા સ્વચ્છ શહેરોની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. સુરત પ્રથમ સ્થાને છે જ્યારે અમદાવાદ 15મા ક્રમે છે.