અમદાવાદઃ ડિજિટલ એરેસ્ટ કરીને ઠગતી ટોળકીના 17 સભ્યો ઝડપાયા, આવી રીતે લોકોને બનાવતા હતા શિકાર

અમદાવાદઃ દેશભરમાં લોકોને ડિજિટલ એરેસ્ટ કરી તેમને ઠગવાની ટોળકી ચલાવવાના મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ પોલીસે તાઇવાનના ચાર લોકો સહિત 17 લોકોની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસના એક અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી.
ડિજિટલ એરેસ્ટ એક પ્રકારનો સાયબર ક્રાઇમ છે. જેમાં પીડિતને એવી જાળમાં ફસાવવામાં આવે છે કે અધિકારી તેમના પર માદક પદાર્થોની તસ્કરી કે અન્ય અપરાધને લઈ નજર રાખી રહ્યા છે. તેમજ કાર્યવાહી કરી શકે છે. જેમાં આરોપીઓ દ્વારા વ્યક્તિને એકાંતમાં રહેવાનું કહેવાય છે, તેમજ વીડિયો કોલ કે અન્ય કોઈ ઓનલાઈન માધ્યમથી વાતચીત કરવામાં આવે છે. જે બાદ ડરાવી-ધમકાવી પીડિતને તેમાંથી છૂટકારો મેળવવા માટે મોટી રકમ વિવિધ બેંક ખાતામાં જમા કરાવવા કહેવામાં આવે છે.
જોઈન્ટ કમિશ્નર (ક્રાઈમ) શરદ સિંઘલે જણાવ્યું, આ ટોળકીએ એક વરિષ્ઠ નાગરિકને 10 દિવસ સુધી ડિજિટલી એરેસ્ટ કર્યો અન તેના પર વીડિયો કોલ દ્વારા નજર રાખીને આરબીઆઈના એક મુદ્દાને ઉકેલવા માટે રૂ. 79.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસ અનુસાર વરિષ્ઠ નાગરિકોની ફરિયાદ બાદ કેટલાક લોકોએ ખુદને ટ્રાઈ, સીબીઆઈ તથા સાયબર ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાનો દાવો કરતાં આરોપ લગાવ્યો હતો કે બેંક ખાતામાં ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે.
સિંઘલે કહ્યું, ગત મહિને ફરિયાદ મળ્યા બાદ અમારી ટીમો ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, ઓડિશા અને મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાએ દરોડા પાડ્યા હતા. દેશભરમાં આ ટોળકીના 17 લોકોને પકડવામાં આવ્યા છે, જેમાંથી ચાર તાઇવાનના છે. અમારું માનવું છે કે અત્યાર સુધીમાં આશરે 1000 લોકોને નિશાન બનાવ્યા હશે.
તાઇવાનના ચાર નાગરિકોની ઓળખ મૂ ચી સુંગ (ઉ.વ 42), ચાંગ હૂ યુન (ઉ.વ 33), વાંગ ચુન વેઈ (ઉ.વ 26) અને શેન વેઈ (ઉ.વ 35) તરીકે થઈ છે. બાકી 13 આરોપઓ ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાનના રહેવાસી છે. તાઇવાનના ચારેય આરોપી છેલ્લા એક વર્ષથી ભારત આવતા હતા અને તેમણે ટોળકીના સભ્યોના પૈસા એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવા માટે મોબાઈલ ફોન એપ તથા અન્ય ટેકનોલોજીનો સહયોગ આપતા હતા.
સિંઘલે જણાવ્યું, ટોળકી જે મોબાઈલ એપનો ઉપયોગ કરતી હતી તે તાઇવાનના આરોપીએ બનાવી હતી. તેમણે પોતાની પદ્ધતિમાં ઑનલાઇન વૉલેટ પણ ઉમેર્યું હતું. પીડિતો પાસેથી રૂપિયા આ એપના માધ્યમથી અન્ય બેંક ખાતા તથા દુબઈમાં ક્રિપ્ટો ખાતામાં મોકલવામાં આવતા હતા. એપના માધ્યમથી મોકલવામાં આવતા રૂપિયાના બદલામાં તેમને કમિશન પણ મળતું હતું. આ ટોળકી વિવિધ કોલ સેન્ટર પણ ચલાવતી હતી. પોલીસે 12.75 લાખ રોકડા, 761 સિમ કાર્ડ, 120 મોબાઇલ ફોન, 96 ચેક બુક, 92 ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા ટ્રાન્ઝેક્શન સંબંધિત ખાતાની 42 પાસબુક જપ્ત કરી છે.