અમદાવાદમાં છેલા 5 વર્ષમાં 12 હજાર વૃક્ષો કાપવામાં આવ્યા, AMCનું ટ્રી ટ્રાન્સપ્લાન્ટર નિષ્ક્રિય પડી રહ્યું

અમદાવાદ: વર્ષ 2016 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) એ ટ્રક-માઉન્ટેડ ટ્રી સ્પેડ અથવા ટ્રી ટ્રાન્સપ્લાન્ટર ખરીદ્યું હતું, એ વખતે AMCએ કહ્યું હતું કે આ મશીનની મદદથી રસ્તાના વિસ્તરણ અને નાગરિક પ્રોજેક્ટ્સ દરમિયાન કાપવામાં આવતા ઘણા વૃક્ષોને બચાવી શકાશે. મોટી વાતો છતાં, AMC વાર્ષિક સરેરાશ 200 વૃક્ષો જ ટ્રાન્સપ્લાન્ટ કરી શકી છે.
એક અખબારી અહેવાલ મુજબ એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રક-માઉન્ટેડ ટ્રી સ્પેડને ચલાવવા માટેના કોન્ટ્રાક્ટને રિન્યુ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ ગુરુવારની બેઠક દરમિયાન મૂકવામાં આવી હતી. સભ્યોએ મશીનની મદદથી વૃક્ષ પ્રત્યારોપણ અંગે વર્ષવાર ડેટા માંગ્યો હતો. જોકે, અધિકારીઓ તે આપી શક્યા ન હતા.
AMCના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “AMCએ કોન્ટ્રાક્ટર સાથે પાંચ વર્ષના કરાર માટે રૂ. 3.5 કરોડ ચૂકવ્યા હતા. કમિટી સમક્ષ રિન્યુઅલની દરખાસ્ત લાવવામાં આવી હતી. જોકે, અમે કોન્ટ્રાક્ટ લંબાવવા પર રોક લગાવી રહ્યા છીએ છીએ.”
AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બગીચા વિભાગ પાસેથી દર વર્ષે ટ્રક-માઉન્ટેડ ટ્રી સ્પેડ ઉપયોગ કરીને કેટલા વૃક્ષો બચાવ્યા તેના પર વિગતવાર અહેવાલ માંગ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં AMCએ શહેરમાં લગભગ 12,000 વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી. જેમાંથી AMCએ પોતે જ નાગરિક પ્રોજેક્ટ માટે 8,328 વૃક્ષો કાપ્યા હતા.
AMC અધિકારીએ જણાવ્યું હતું કે, આમાંની મોટાભાગની પરવાનગીઓ મેટ્રો રેલ પ્રોજેક્ટ, નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માંગવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રી સ્પેડ એવા વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ શકતું નથી કે જેના થડનો ઘેરાવો 90 સેમીથી વધુ હોય. વધુમાં, એવી ફરિયાદો ઉભી કરવામાં આવી છે કે જ્યારે વૃક્ષને ઉખાડવા માટે જમીન ખોદવામાં આવે છે ત્યારે ટ્રી સ્પેડ ભૂગર્ભ રહેલી પબ્લિક યુટિલિટીને નુકસાન પહોંચાડે છે.
તાજેતરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જેમ કે એરપોર્ટ રોડ પ્રોજેક્ટ, જ્યાં 242 વૃક્ષો કાપવામાં આવ્યાં હતાં, જેમાં એક પણ વૃક્ષને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું ન હતું, મશીનની બિનઅસરકારકતા દર્શાવે છે. એજ રીતે વાડજ ફ્લાયઓવર પાસે સર્વિસ રોડ માટે આશ્રમ રોડ પર 60 વૃક્ષો કાપવામાં આવ્યા હતા અને વિસત સર્કલ અને પાંજરાપોળ પાસે રોડ વિસ્તરણ પ્રોજેક્ટ દરમિયાન અન્ય 60 વૃક્ષો કાપવામાં આવ્યા હતા. એક પણ વૃક્ષનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું નથી.