Gujarat 2023: આ વર્ષે 108ને મળ્યા આટલા ઈમરજન્સી કૉલ્સ અને તે પણ
અમદાવાદઃ વર્ષ 2023 અલવિદા કરવા જઈ રહ્યું છે. બે દિવસ પછી આપણે અંગ્રેજી કેલેન્ડર મુજબ નવા વર્ષને વધાવશું. વિતેલું વર્ષ ઘણી સારી યાદો સાથે ચિંતાઓ પણ છોડી જતું હોય છે. વર્ષના અંતમાં ફરી કોરોનાની મહામારીએ ઉથલો માર્યો છે ત્યારે આવતા વર્ષે ફરી કોઈ નવી આફત વિશ્વ પર ન આવી પડે તેવો ડર સૌને સતાવી રહ્યો છે ત્યારે વર્ષ 2023માં ગુજરાતની ખાસ વાત કરીએ તો હૃદયરોગના હુમલાના વધતા કેસને લીધે આખું રાજ્ય ચિંતત હતું અને સરકારે પણ હરકતમા આવવું પડ્યું હતું.
સાજા સારા લાગતા યુવાન વયના કે કિશોરવયનાને પણ હૃદયરોગનો હુમલો આવ્યો હોય અને ક્રિકેટના ગ્રાઉન્ડમાં, ક્લાસરૂમમા કે ગરબા રમતા રમતા ઢળી પડ્યાના કિસ્સાઓ રોજ બનતા રહ્યા છે. આ ઘટનાઓને કોરોનાની વેક્સિનની આડઅસર તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
ગુજરાત (Gujarat)માં આ વર્ષે ઈમારજન્સીના કૉલ્સમાં પણ વધારો થયો છે અને તેમાં પણ હૃદયની બીમારીની લીધે મદદ માગતા કૉલ્સ વધારે હોવાનું ડેટામાં ખૂલ્યું છે. અમદાવાદ શહેરની જ વાત કરીએ તો ઈમારજન્સી નબંર પર કૂલ 13.57 લાખ જેટલા કૉલ્સ વર્ષ દરમિયાન મળ્યા હતા, જેમાંથી 1.55 લાખ કૉલ્સ અકસ્માતના મળ્યા હતા જ્યારે 71,000 કૉલ્સ હૃદયરોગની બીમારીના મળ્યા હતા. જે વર્ષ 2022 કરતા વધારે હતા.
આ સાથે જ 108 ઇમરજન્સી સેવા દિવાળીની સીઝનમાં ઈમરજન્સી કૉલ્સમાં વધારો થયો હતો. પાછલા વર્ષની સરખામણીના આધારે આ વર્ષે દિવાળીના દિવસે 9.06 ટકા, બેસતા વર્ષે 23.30 ટકા અને ભાઈબીજ 22.24 ટકા કેસોમાં વધારો જોવા મળ્યો હોવાનું જાણવા મળ્યું છે.