અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ મુદ્દે રાજ્ય સરકાર સફાળી જાગી: હોસ્પિટલ PMJAY માટે બ્લેક લિસ્ટ
Ahmedabad Khyati Hospital News: અમદાવાદમાં ખ્યાતિ હૉસ્પિટલમાં મહેસાણા જિલ્લાના બોરીસણા ગામના 19 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી 7 દર્દીઓમાં કોઇપણ પ્રકારની સંમતિ વિના જ સ્ટેન્ટ પણ લગાવી દેવામાં આવ્યું હતું. જેમાંથી બે દર્દીઓ સ્ટેન્ટ લગાવ્યાના થોડા જ કલાકમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય પાંચ દર્દીઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. આ સમગ્ર ઘટનામાં કમિટીને ગુનાહિત કૃત્ય અને મેડિકલ બેદરકારી જણાઇ આવતા રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ખ્યાતિ હોસ્પિટલ સંદર્ભે ગેરરિતી બદલ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. અમદાવાદ સ્થિત ખ્યાતી હોસ્પિટલને પી.એમ.જે.વાય-મા (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)) યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરવામાં આવી છે.
ગુજરાતના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ શું કહ્યું?
ગુજરાતના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું, ખ્યાતિ હૉસ્પિટલમાં થયેલી ઘટનાને લઈ બનાવવામાં આવેલી કમિટીની તપાસમાં મોટો ખુલાસો થયો છે. કમિટીના રિપોર્ટમાં જે લોકોના મોત થયા છે તેમને એન્જિયોપ્લાસ્ટિની જરૂર ન હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત હૉસ્પિટલને આપવામાં આવેલો આયુષ્યમાન લાભ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. હૉસ્પિટલના માલિક, ડૉક્ટર્સ, સંચાલક સામે ફરિયાદ નોંધવામાં આવશે. ઑપરેશન કરનારા ડોક્ટર્સ સામે પગલા લેવા મેડિકલ કાઉન્સિલને અપીલ કરવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં નવા નિયમોને લઈ ગાઈડલાઈન જાહેર કરશે.
સરકારે શું લીધા નિર્ણય?
આ ઉપરાંત ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે, સરકારે કડક કાર્યવાહી કરી છે. જેમાં હોસ્પિટલને PMJAY(પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના )(PM-JAY)થી બહાર કરાશે, માલિક સામે પગલાં લેવામાં આવશે, ડૉક્ટર હવે માન્ય ડૉક્ટર ગણવામાં આવશે નહીં, યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિના મોત થયા છે એટલા માટે રાજ્ય સરકાર પોલીસ ફરિયાદ કરશે, ડોક્ટર સામે પગલાં લેવા મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે, અગાઉના કેસ સામે તપાસ કરવામાં આવશે, વ્યવસ્થા સુધારીકરણ કરવામાં આવશે, કાર્ડીઓલોજી અને કાર્ડિયાક ફરજિયાત રહેશે, વિજીટિંગ હશે તો PMJAY માન્યતા મળશે નહીં તેમજ PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY))નું મોનિટરિંગ કરવામાં આવશે.
આ પણ વાંચો :અમદાવાદમાં ખાસ એક્શન પ્લાનથી માર્ગ અકસ્માતોથી બચી 90 માનવ જિંદગી…
આગામી દિવસોમાં આવી ઘટના ન બને તે માટે શું પગલા લેવાશે
ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના બાદ સરકાર સફાળી જાગી છે અને આગામી દિવસોમાં આવી કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને પીએમજેવાયએ યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે.