Ahmedabad માં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયમાં ચોરી, નિષ્પક્ષ તપાસની માંગ
અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાતના પ્રદેશ કાર્યાલયમાં તાળાં તોડી ચોરી થઇ છે. આ અંગે પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્ય સરકાર પાસે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાજકીય પક્ષનું પ્રદેશ કાર્યાલય પણ સલામત નથી. આમ આદમી પાર્ટીની ઓફિસમાં ચોરીનો હેતુ શું હતો ? ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ઓફિસમાં ત્રણ તાળા તૂટેલા છે અને તેમની ચેમ્બરમાં ઘૂસીને દસ્તાવેજોની ચોરી થઈ હોવાની શક્યતા છે. આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં આશ્રમ રોડ પર છે. જે શહેરનો પોશ વિસ્તાર ગણવામાં આવે છે.
મુખ્યમંત્રી પાસે નિષ્પક્ષ તપાસની માંગ
આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવીના જણાવ્યા અનુસાર ચોરીની ઘટના 3 નવેમ્બરે બની હતી.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મારી ચેમ્બરના તાળા તોડી એલઇડી ટીવી સહિતના મહત્વના દસ્તાવેજોની
ચોરી થયાની આશંકા છે.
આ પણ વાંચો :ગુજરાત સરકારે Vidya sahayak ની 13582 જગ્યાઓ માટે સંયુક્ત ભરતીની જાહેરાત કરી
પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાનો ઈરાદા
ગઢવીએ જણાવ્યું હતું કે, આ ચોરી પૈસા માટે નહીં પરંતુ પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટાની ચોરી કરવાના
ઈરાદે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ગઢવીએ કહ્યું કે તેઓ આજે પોલીસમાં એફઆઈઆર નોંધાવશે. ગઢવીએ માંગ કરી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે કાર્યવાહી કરવી જોઈએ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને 14 ટકા વોટ મળ્યા હતા. ગુજરાતમાં પ્રદર્શન બાદ જ AAPને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.