આપણું ગુજરાત

TET-TATના ઉમેદવારોનું કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન

ગાંધીનગર: રાજ્યની સરકારી શાળાઓમા મોટા પ્રમાણમાં સરકારી શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે ત્યારે ભરતી કરવાને બદલે સરકારે કરાર આધારિત નિમણૂકને લાગુ કરી છે . આથી TET-TAT પાસ ઉમેદવારોમાં સરકારની સામે ભારે રોષ છે. આથી ઉમેદવારોએ ગાંધીનગરમાં કાયમી ભરતી કરવાની માંગ સાથે આંદોલન કર્યું હતું. જો કે પોલીસે આંદોલન કરનાર ઉમેદવારોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ શિક્ષકોની જગ્યા પર કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકની ભરતી કરવામાં આવી છે, આથી ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. આ વર્ષે પણ સરકાર જ્ઞાનસહાયક શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે. આથી ઉમેદવારોની ધીરજ ખૂટતા હવે ઉમેદવારોના ધૈર્યનો અંત આવતા ટેટ-ટાટ પાસ કરેલા ઉમેદવારો આજે ગાંધીનગર પહોંચીને કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગાંધીનગરમાં ટેટ-ટાટ ઉમેદવારોએ રસ્તાઓ રોકીને આંદોલન કર્યું હતું. સત્યાગ્રહ છાવણીમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, પોલીસે આંદોલનને મંજૂરી ન આપતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ માટે રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી ઉમેદવારો ગાંધીનગરમાં પહોંચ્યા હતા. વિરોધ કરનાર ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જો કે આંદોલનને લઈને સચિવાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સરકાર તાત્કાલિક નિર્ણય લે અથવા નવા આંદોલન માટે તૈયાર : જીગ્નેશ મેવાણી
આંદોલનમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે ‘ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ચરમસીમાએ હોવા છતાં સરકાર આ ખાલી પદો પર ભરતી કરતી નથી. સરકારી શાળાઓમાં 70 હજારથી વધુ શિક્ષકોની ઘટ હોવા છતાં અને લાંબા સમયથી ટેટ-ટાટ ઉમેદવારો અરજી કરી રહ્યા હોવા છતાં સરકારે તેની સાથે ચર્ચા પણ કરી નથી. જો સરકાર આ બાબતે કોઈ નિર્ણય નહિ લે તો આગામી સમયમાં અમદાવાદમાં પણ રેલીના આયોજન કરવાં ચીમકી ઉચ્ચારી હતી.

યુવાનો કોઈ આતંકવાદી નથી : શક્તિસિંહ ગોહિલ
આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી હતું અને કહ્યું હતું કે લોકશાહીમાં પોતાની માંગણી રજૂ કરવાનો સૌનો બંધારણીય અધિકાર છે અને પોતાની વ્યાજબી માંગણી લઈને આવેલા ગુજરાતનાં યુવાનો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો. ગુજરાતમાં પુષ્કળ માતરમ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે અને કાયમી શિક્ષકોની ભરતીની માંગ કરવા માટે આવેલા યુવાનોની સાથે પોલીસે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. લોકશાહીમાં સંઘર્ષ નહિ પરંતુ સંવાદ થવો જોઈએ. અટકાયત કરીને જેલમાં ગોંધી રાખેલા યુવાનોને તાત્કાલિક મુક્ત કરીને તેમની સાથે સંવાદ કરવો જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button