હાઈકોર્ટની સુઓમોટો પછી સફાળી જાગી સરકાર, ઋષિકેશ પટેલે દર્દીઓ સાથે કરી મુલાકાત
અમદાવાદ: માંડલ ગામની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવવાની તથા ગંભીર આડઅસરની ઘટનાની હાઇ કોર્ટે સુઓમોટો નોંધ લીધા બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પીડિત દર્દીઓ સાથે મુલાકાત કરી હતી તેમજ જવાબદારો સામે કડક પગલા લેવાનું આશ્વાસન આપ્યું હતું.
માંડલની હોસ્પિટલમાં ગત 10 જાન્યુઆરીએ 29 જેટલા દર્દીઓએ મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, જેમાંથી 15 થી વધુ દર્દીઓને આંખે ઝાંખપ, આંશિક દ્રષ્ટિ ગુમાવવી તથા સંપૂર્ણપણે દ્રષ્ટિ ગુમાવવા જેવી આડઅસરો થવા પામી હતી. ઘટનાનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા હાઇકોર્ટે આજે સુઓમોટો નોંધ લઇને એસપીને નોટિસ પાઠવીને સરકારને જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા 9 સભ્યોની કમિટી બનાવી સરકારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. માંડલની હોસ્પિટલને કોઇ પ્રકારની સર્જરી ન કરવાનો આદેશ આપી ગાંધીનગરથી માંડલ તબીબી ટીમને તપાસ માટે રવાના કરાઇ છે.
આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને હેલ્થ કમિશનર હર્ષદ પટેલે રિફર કરાયેલા દર્દીઓની મુલાકાત લઇ તેમના ખબરઅંતર પુછ્યા હતા, તેમજ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે આ ઘટનાની ગંભીરતાથી લીધી છે અને જે કોઇપણ જવાબદાર હશે તેની સામે તપાસ કરવામાં આવશે. ગંભીર આડઅસર પામનારા અમુક દર્દીઓને સિવિલમાં ખસેડાયા છે જ્યારે અમુકને માંડલમાં જ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. સરકારે રચેલી કમિટીના તબીબોએ પણ જણાવ્યું હતું કે તેઓ દરેક દર્દીની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે અને ઓપરેશન બાદ દર્દીઓને અપાયેલી દવાઓના નમૂના એકત્રિત કરી તેનું પરીક્ષણ કરી રહ્યા છે.
ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા કોંગ્રેસે પણ સરકાર પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે સામાન્ય માણસને વિશ્વાસ ઉઠી જાય તેવી સરકાર છે, જેણે આંખો ગુમાવી હોય તે જ વેદના સમજી શકે. અગાઉ અમેરલીમાં પણ આવી જ ઘટનામાં 13 લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા તેમજ નિષ્ણાતોની ભરતી કરવાની તેમણે માગ કરી હતી.