રોપવેના બીજા ફેઝનો અમલ થયા બાદ પાવાગઢમાં દૂધિયા તળાવથી મહાકાળી માતાનાં દર્શને જવા સાત મિનિટ જ લાગશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પાવાગઢ ખાતે નવી ઊભી થઇ રહેલી વ્યવસ્થામાં દૂધિયા તળાવથી મહાકાળી માતાના દર્શને જવામાં માત્ર ૭ મિનિટનો સમય જ લાગશે એવું વહીવટદારોએ જણાવ્યું હતું. પહેલા તબક્કામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૧૨૫ કરોડના ખર્ચે ૩ ફેઝમાં કામ પૂરું કરવામાં આવ્યું, જેમાં માચીથી મંદિરના શિખર સુધી નવા પગથિયાં, દૂધિયા તળાવનું બ્યુટિફિકેશન, બંને બાજુ ટૂરિસ્ટ ફેસિલિટી, પાણીની વ્યવસ્થા, મંદિરના ભાગને ૩ લેયર એટલે કે ૩ માળ સુધી લેવાયો છે, જેથી ૮૦૦ સ્ક્વેર ફૂટનું પરિસર આજે ૨૮૦૦ ચો.મી.નું ભવ્ય પરીસર બની ગયું છે. ૧૨ કરોડના ખર્ચે મંદિર પણ ભવ્ય બન્યું છે. હવે પાવાગઢના વિકાસ માટે રૂ. ૧૮૦ કરોડ મંજૂર કર્યા છે તેમાંથી માચી ખાતે હાલ કામગીરી ચાલે છે, જ્યાં પાર્કિંગ, પાણી, ટોઇલેટ અને કંટ્રોલ વ્યવસ્થા માટે ઑફિસની કામગીરી ચાલી રહી છે. હાઈવેથી માચી જવાના માર્ગ પર પાર્કિંગ વ્યવસ્થા, ચાંપાનેરના રસ્તા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. આ સાથે જ વડા તળાવના વિકાસ માટે ૫૦ કરોડનો પ્રોજેક્ટ પાઈપ લાઈનમાં છે, જ્યાં વોટર એક્ટિવિટી, સુંદર તળાવ બને, ટેન્ટ સિટી બને, વિરાસત વનનો લોકોને લાભ મળે એ રીતે તળેટી વિસ્તાર વિકસાવાઇ રહ્યો છે.
હાલ યાત્રાળુઓએ કુલ ૨૪૦૦ પગથિયાં ચડવા પડે છે ઉપરાંત માચીથી દૂધિયા તળાવ સુધી રોપવેમાં જવાય છે. હવે રોપવે વ્યવસ્થા આગળ લંબાવી જે ૫૦૦ પગથિયાં ચડવા પડે છે તેમાંથી પણ બચી જવાય તેવું આયોજન કરાયું છે. વધારાની રોપ વે વ્યવસ્થા માટે દરખાસ્ત આવી હતી જેને પણ હવે મંજૂરી મળી ગઈ છે, એટલે રોપ વે માટે હવે બીજા ભાગની કામગીરી શરૂ થશે. આ વ્યવસ્થાને કારણે ૫૦૦ પગથિયાં ચડવાની મોટી મુશ્કેલીમાંથી રાહત મળશે. નવી જે રોપ વે વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે તે વ્યવસ્થા ૫૦૦ પગથિયાં માટે છે. એ વ્યવસ્થા માટે જ્યારે રોપ વે બનશે ત્યારે ૫ થી ૭ મિનિટમાં અંતર કપાઈ જશે. ૫૦૦ પગથિયાં ચડવા માટેનો મોટો સમય બચી જશે. શારીરિક અશક્ત કે વૃદ્ધ કે બાળકોને મુશ્કેલીમાંથી મોટી રાહત મળશે. હાલ જે રોપ વે વ્યવસ્થા છે તેમાં અંદાજે ૫ થી ૧૦ મિનિટનો સમય લાગે છે એટલે એમ કહી શકાય કે બીજો રોપ વે બનશે ત્યારે અંદાજે ૨૦ મિનિટમાં માતાના મંદિર સુધી પહોંચી જવાશે, તેમ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે જણાવ્યું હતું. આમ દૂધિયા તળાવ બાદ ૫૦૦ પગથિયાં ચડવા પડે છે. આ ૫૦૦ પગથિયાંની ઊંચાઈ અંદાજે ૨૭૫ ફૂટ છે. રોપ વે નો ફેઝ બે શરૂ થવાને કારણે ૨૭૫ ફૂટની ઊંચાઈ અને ૫૦૦ પગથિયાનું અંતર માત્ર ૫ થી ૭ મિનિટમાં જ કપાઈ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું. પાવાગઢમાં બીજા ફેઝનો રોપ વે બન્યા બાદ છેક મંદિર પાસે પહોંચી શકાશે.
ઉપરાંત છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી લિફ્ટની સવલતનું આયોજન કરાશે. દર્શને આવતાં સિનિયર સિટિઝન અને દિવ્યાંગ ભક્તોને મંદિર પગથિયા ચઢવામાંથી છુટકારો મળે તે માટે મંદિર પ્રશાસન દ્વારા રૂ.૨૦ કરોડના ખર્ચે હાઇ સ્પીડ લિફ્ટ બનશે, જેની ઊંચાઈ ૭૦ મીટર અને ક્ષમતા ૨૦ લોકોની રહેશે. લિફ્ટ બનાવવા માટેની કામગીરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા અમદાવાદની ખાનગી એજન્સીને સોંપવામાં આવી છે, જે એક વર્ષની અંદર બન્ને લિફ્ટની કામગીરી પૂર્ણ કરશે. આ લિફ્ટનો ઉપયોગ કરવાનો ચાર્જ પણ લઘુતમ અથવા તો નજીવો રાખવામાં આવે એવી વિચારણા હાલ ચાલી રહી છે.