પતિના મૃત્યુ બાદ એકલે હાથે બે દીકરાને ઉછેરનારી માતાનું ઢીમ દીકરાએ જ ઢાળ્યુ
કોઈપણ સમાજમાં પતિ કે પત્ની માટે એકલા હાથે સંતાનોને ઉછેરવા સહેલા નથી હોતા, પણ તેઓ એક જ આશાએ એકલા હાથે જીવનની ગાડી ખેંચતા હોય છે કે સંતાનો મોટા થશે એટલે સહારો બનશે અને સારા દિવસો આવશે. જોકે કમનસીબે ભાવનગરની આ માતાના નસીબમાં કંઈક બીજું જ લખ્યું હશે અને તેને દીકરાના હાથ મોત મળ્યું. ભાવનગર જિલ્લાના તળાજામાં બનેલી આ ઘટના ખરેખર અરેરાટી ઉપજાવે તેવી છે. અહીં રહેતા અને ટ્રેઝરી ઓફિસમાં કામ કરતા રેખાબેન પંડ્યા નામના મહિલાને તેમનાં સગા દીકરાએ જ મોતને ઘાટ ઉતાર્યાના અહેવાલો બહાર આવ્યા છે. મળતી માહિતી મુજબ રેખાબેન બપોરના સમયે ઘરે જમવા આવ્યા ત્યારે તેમનાં મોટા પુત્ર સાથે તેમને જમવા બાબતે જ બોલાચાલી થઈ હતી, જેમાં આવેશમાં આવી પુત્રએ માતાનાં માથામાં બેટથી વાર કરતા રેખાબેનને ગંભીર ઈજા થઈ હતી અને તેઓ ઢળી પડ્યા હતા. તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રેખાબેનના પુત્રને માનસિક બીમારી હોવાનું અને તેની તબીબી સારવાર ચાલુ હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે પુત્રની ધરપકડ કરી હોવાના અહેવાલો છે. રેખાબેન વિશે મળતી માહિતી અનુસાર તેમના પતિ અમદાવાદ ખાતે સરકારી કચેરીમાં નોકરી કરતા હતા અને ચાલુ નોકરીએ તેમને હાર્ટ એટેક આવતા તેઓ મૃત્યુ પામ્યા હતા. તે બાદ બે દીકરાની જવાબદારી રેખાબેન પર આવી હતી અને તેમને રહેમરાહે તળાજામાં નોકરી આપવામાં આવી હતી. તેમનો નાનો પુત્ર અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જોકે હવે તે મા-બાપ બન્ને ગુમાવી બેઠો છે.