લંડનમાં રહેતા ભારતીય પર જીવલેણ હુમલા બાદ મોબાઈલમાં વાયરલ થયા મેસેજ
અમદાવાદઃ વિદેશમાં રહેતા ભારતીયો પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. અગાઉ આફ્રિકાના દેશોમાં કે અમેરિકામાં હુમલાઓ થતા હતા અને લૂટફાટ અને હત્યાઓ થતી હતી, પરંતુ છેલ્લા કેટલાય સમયથી કેનેડા, ઓસ્ટ્રેલિયા, સહિત યુરોપના દેશોમાં વસતા ભારતીયો પર પણ હુમલા થઈ રહ્યા છે અને જીવ ગયાના કિસ્સા પણ બન્યા છે. સુરક્ષિત માનવામાં આવતા યુકેના લંડનમાં ભારતીય પર થયેલા હુમલાએ સૌને ભયભીત કર્યા છે. આ ઘટના બાદ ભારતીયોના મોબાઈલમાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે અને લોકો સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે.
લંડનમાં એક ગુજરાતી યુવક પર કેટલાક અશ્વેતો દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો હોવાનું જાણવા મળે છે. આ યુવક પર અશ્વેતો દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરાયાનો વીડિયો વાયરલ થયો છે. જોકે ઘટના ચોક્કસ ક્યારે અને શા માટે બની તેમ જ આ યુવક મૂળ ગુજરાતના ક્યા જિલ્લાનો છે વગેરે માહિતી મળી નથી. જોકે ભારતીયોએ સતર્ક રહેવું તેમ વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે. આ અંગે સત્તાવાર માહિતી મળી નથી.
ગુજરાતીઓ સૌથી વધુ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રિટન જેવા દેશોમાં વસ્યા છે. અહીં ભારતીયોની નોંધપાત્ર વસતિ છે અને તેમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં છે. અગાઉ અમેરિકામાં શ્રીમંત ગુજરાતીઓની લૂટફાટના ઘણા કિસ્સા બહાર આવતા જેમાં ઘણીવાર હત્યા પણ થતી.
અમેરિકામાં ગુજરાતીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. સુખી સંપન્ન અને વેપાર ઉદ્યોગ ધરાવતા ગુજરાતીઓ લૂંટારુઓના નિશાને આવતા હોય છે. થોડા સમય પહેલા કેનેડામાં પણ ઉપરાઉપરી ભારતીય વિદ્યાર્થીઓના મોત થતા હતા. ગત જુન મહિનામાં અનેક ગુજરાતીઓના કેનેડામાં મોત થયા હતા. કેન્દ્ર સરકારે પણ આ આંકડા તાજેતરમાં જ આપ્યા હતા. ૨૦૧૮થી અત્યાર સુધીમાં કુદરતી કારણો અને અકસ્માતો સહિત વિવિધ કારણોસર વિદેશોમાં કુલ ૪૦૩ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હોવાનું કેન્દ્ર સરકારે માહિતી આપી હતી. કેન્દ્રીય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભામાં રજૂ કરેલા ડેટા મુજબ કુલ ૩૪ દેશો પૈકી છેલ્લા પાંચ વર્ષમાં કેનેડામાં સૌથી વધુ ૯૧ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થયા હતા.