સિરપકાંડના તાર મુંબઇ પછી હવે ગોવા સુધી લંબાયા: કેમિકલ ગોવાથી ગુજરાત પહોંચતું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ખેડા જિલ્લાના સિરપકાંડમાં પોલીસે મુંબઈથી પકડેલા આરોપી તોફીક પોતે આ કેમિકલ ગોવાથી લાવતો હોવાનો તપાસમાં ખુલાસો થયો હતો. જેથી હવે સિરપકાંડના છેડા ગોવામાં અડતા પોલીસે તે તરફ પોતાની ટીમને દોડાવી હતી. પોલીસ તપાસમાં યોગેશ સિંધી ૧૫ હજાર લીટર જેટલું કેમિકલ તોફીક પાસેથી લાવ્યો હોવાનુ જાણવા મળ્યું હતું.
સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના ડીવાયએસપી વિમલ બાજપાઈએ જણાવ્યુ હતું કે, આરોપી તોફીક ગોવાથી મુદ્દામાલ લાવતો હોવાનું જણાવ્યું છે. જેના કારણે તે કોના પાસેથી મુદ્દામાલ લાવતો હતો તે અંગે વિગતો મેળવી ગોવામાં પણ તપાસ કરાઈ છે. સિરપકાંડમાં પોલીસે અત્યાર સુધી કુલ છ આરોપીઓને ઝડપ્યા છે. જેમાં નડિયાદનો યોગેશ ઉર્ફે યોગી પારૂમલ સિંધી, બીલોદરાના નારાયણ ઉર્ફે કિશોર સાકળભાઈ સોઢા, ઈશ્ર્વરભાઈ સાકળભાઈ સોઢા, વડોદરાના નીતિન કોટવાણી, ભાવેશ સેવકાણી અને તપાસમાં મુંબઈના તોફીક હાસીમભાઈ મુકાદમ મળી છ આરોપીઓના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે આ તમામ આરોપીઓને અલગ અલગ જગ્યાએ રાખી ઊલટતપાસ કરી રહી છે અને કેસમાં સામેલ ખૂટતી કડીઓ પુરાવા મેળવવા લાગી છે.
પોલીસની તપાસમાં આરોપી યોગેશ સિંધીનું ડભાણ સ્થિત આવેલ ગોડાઉનમાંથી નશીલી સિરપનો જથ્થો કબ્જે કર્યો છે અને તેની સિલોડ ખાતેથી પણ ફેક્ટરી પકડી તપાસ કરતા અહીંયાથી જ આ નશીલી સિરપ બનાવવામાં આવતી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો. તો બીજી બાજુ પોલીસની તપાસમાં યોગેશ સિંધીએ સિરપ માટે ૧૫ હજાર લીટર કેમિકલ મુંબઈથી મંગાવ્યું હોવાનો કબૂલાત કરી છે. આ ઉપરાંત છેલ્લાં એક વર્ષથી આ મોતનો કાળો કારોબાર ચલાવતો હોવાનો પર્દાફાશ થયો છે.