ગુજરાતમાં નકલી સરકારી કચેરી બાદ હવે નકલી ટોલનાકું
નકલી ઘીથી માંડી નકલી દવા અને દારૂ પણ નકલી વેચાય છે, પણ ગુજરાતમાં તો અધિકારી નકલી, કચેરીઓ નકલી અને હવે ટોલાનાકું પણ નકલી પકડાયું છે.
આ ઘટના મોરબીના વાંકાનેરની છે. અહીં આખેઆખું નકલી ટોલનાકુ ઝડપાયું છે, જે દોઢેક વર્ષથી ચાલતું હોવાના અને કરોડોની ઉઘરાણી વાહનચાલકો પાસેથી કરી લીધી હોવાના અહેવાલો છે. વઘાસિયા ગામ નજીક ફેક્ટરી ભાડે રાખી ગોરખધંધો ચાલતો હોવાના અહેવાલોએ સૌને સફાળા જાગતા કરી દીધા છે. જોકે આ અહેવાલો બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્ય સરકારે સમગ્ર મામલે અહેવાલ મંગાવ્યો છે. જેની સાથે જ 5 અધિકારીઓની ટીમ પણ તપાસમાં લાગી છે.
આ મામલે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ભાજપના આગેવાન સામે ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાઈ છે. જેની સાથે જ 5 શખ્સ સામે નામજોગ અને અજાણ્યા શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવ્યાના અહેવાલો છે. જ્યારે સિરામિક કંપનીના માલિક સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. અગાઉ ગુજરાતના પ્રયોજમાં નકલી કચેરી ઝડપાઈ હતી જ્યાંથી કરોડોના સરકારી ફંડની ફાઈલો સાઈન કરાવવામાં આવી હતી.