અમદાવાદમાં સીએમડીસી બાદ હવે અન્ય વિભાગ પણ ઢોર પકડશે: કમિશનરનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર સહિત રાજ્યમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તાઓ અને પાર્કિંગ સમસ્યાઓ મામલે ગુજરાત હાઇ કોર્ટ દ્વારા સતત તંત્રની ઝાટકણી કાઢવામાં આવી હતી. હાઇ કોર્ટના આદેશ બાદ ફરી એકવાર અમદાવાદ મનપા તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. અમદાવાદ મનપા કમિશનર દ્વારા સર્ક્યુલરમાં જણાવાયું છે કે, હવેથી એએમસી સીએનસીડી વિભાગ સહિત અન્ય વિભાગ જેવા કે ટેક્ષ, ઇજનેર, હેલ્થ, યુસીડી સહિત તમામ વિભાગોએ ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત કામગીરી કરવાની રહેશે. આ તમામ વિભાગના એચઓડી, ડેએચઓડી સહિત અધિકારીઓએ ડેપ્યુટી કમિશનરને પોતાનો રિપોર્ટ આપવાનો રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટના આકરા વલણ બાદ એએમસી એક્શન મોડમાં આવી છે. એએમસીના સીએનસીડી વિભાગ બાદ હવે અન્ય વિભાગ પણ ઢોર પકડશે. એએમસીના ઢોર નિયંત્રણ પોલિસી અંતર્ગત એકશન પ્લાન બનાવામાં આવ્યો છે. જે અંતર્ગત સાત ઝોનમાં હવે એસ્ટેટ, હેલ્થ, સોલિડ વેસ્ટ, ઇજનેર, યુસીડી, ટેક્ષ વિભાગને કામગીરી સોંપવામાં આવી હતી. એએમસીના વિભાગો સહિત પોલીસ સ્ટાફની મદદથી એક ટીમ બનાવી છે. ત્રણ શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી ચાલુ રહેશે. ઝોન વાઇઝ ડેપ્યુટી કમિશનર અને વોર્ડ વાઇઝ આસિ. કમિશનર કામગીરીનું સુપરવિઝન કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ ઓકટોબર માસમાં ૧૪૪૧થી વધારે પશુઓ પકડવાની કામગીરી કરાઇ છે. જે પૈકી ૨૨૫ પશુ છોડાવવાના પશુ માલિકો પાસેથી ૧૨ લાખ દંડ વસૂલ કરાયો છે. એએમસી દ્વારા ૪૬ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ઢોર નિયંત્રણ કાયદા હેઠળ સરકારી કામ રોકવા બદલ આ ફરિયાદો દાખલ કરાઇ છે. ૪૫ દિવસમાં એએમસીની સીએનસીડી ટીમો પર ૨૪ વખત હુમલાની ઘટના પણ સામે
આવી છે.
સૌથી વધુ પોલીસ ફરિયાદ નિકોલ અને વટવામાં નોંધાઇ છે. એએમસી દ્વારા ચાલુ વર્ષમાં ૧૦૫૧૬ પશુઓ પકડવામાં આવ્યાં છે. જે પૈકી ૧૨૩૧ પશુ માલિકો દંડ ભરી પશુઓને છોડાવી ગયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ૪૪૮ પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.