અંતે મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ 32 દિવસે સમેટાયું વ્યાયામ શિક્ષકોનું આંદોલન

ગાંધીનગર: કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો છે. છેલ્લા મહિના દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાય હતી જેમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાને કમિટીને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે આદેશ કર્યા હતા.
કાયમી ભરતીના વચન બાદ સમેટાયુ આંદોલન
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે છેલ્લા એક મહિનાથી કાયમી ભરતીની માગને લઈને વ્યાયામ શિક્ષકો આંદોલન કરી રહ્યા હતા. ત્યારે આખરે 32 દિવસ બાદ વ્યાયામ શિક્ષકોનુ આંદોલન મુખ્ય પ્રધાનના કાયમી ભરતીના વચન આપ્યા બાદ સમેટાયુ હતું. આજે ગુરુવારે આંદોલન કરી રહેલા વ્યાયામ શિક્ષકો અને રાજયના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય પ્રધાને કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે કમિટીને આદેશ કર્યા હતા. જ્યાં સુધી સરકાર દ્વારા ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં નહી આવે ત્યાં સુધી આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
પોલીસ સાથે સંઘર્ષમાં ઊતરવું પડ્યું હતું
અત્રે ઉલ્લેખનીય છે કે આજની બેઠકમાં મુખ્ય પ્રધાને અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગર ખાતે 32 દિવસથી આંદોલન ચાલી રહ્યું હતું. આ દરમિયાન વ્યાયામ શિક્ષકોએ પોલીસ સાથે સંઘર્ષમાં પણ ઊતરવું પડ્યું હતું. ત્યારે હવે એક મહિના બાદ સરકારે તેમની સાથે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની રચના કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.