80 લાખના વીમાની રકમ માટે ભિખારીની હત્યા કર્યાના 17 વર્ષ બાદ આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
અમદાવાદ: કોઇ ફિલ્મ કે વેબ સ્ટોરીને પણ ટક્કર મારે એવી આ ઘટનામાં ઉત્તરપ્રદેશના એક વ્યક્તિએ તેના પિતા સાથે મળીને એક્સીડેન્ટલ ડેથનો વીમો પકવવા માટે પોતાના મૃત્યુની બનાવટી વાર્તા ઘડી કાઢી પોલીસ અને વીમા કંપનીને છેતરી 80 લાખની વીમાની રકમ પડાવી લીધી હતી. જો કે પોલીસે બાતમીને આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.
ઉત્તરપ્રદેશના આગ્રામાં રકાબગંજ પોલીસ સ્ટેશનમાં આજથી 17 વર્ષ પહેલા વર્ષ 2006માં એક કાર વ્યક્તિ સહિત સળગીને ખાક થઇ ગઇ હતી તેવી વિગતોને આધારે એક્સીડેન્ટલ ડેથનો કેસ નોંધાયો હતો. પોલીસે કેસની તપાસ કરતા મૃતદેહ પાસેથી મળેલી વિગતોને આધારે તેની અનિલસિંહ ચૌધરી નામથી ઓળખ કરી હતી અને તેના પિતાને મૃતદેહ સોંપી દીધો હતો. એ પછી અનિલસિંહના પિતાએ પુત્ર મૃત્યુ પામ્યો હોવાનું વીમા કંપનીને જણાવી 80 લાખ રૂપિયાની વીમાની રકમ મેળવી લીધી હતી.
ઘટનાના 17 વર્ષ બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી હતી જેના આધારે તપાસ કરતા વિગતો ખુલી હતી કે અનિલસિંહ નામનો આ વ્યક્તિ નામ બદલીને રાજકુમાર તરીકે અમદાવાદમાં રહે છે. જેના પરથી પોલીસે તેને પકડી પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે મૂળ ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નગર પાસેના એક ગામડાનો રહેવાસી છે.
વર્ષ 2006 બાદ જાણે આરોપીએ જીવતેજીવ પુનર્જન્મ ધારણ કરી લીધો હોય તેમ પોતાની ઓળખ બદલીને રાજકુમાર નામથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવ્યું હતું અને તેના પરથી તેણે આધાર કાર્ડ-પાનકાર્ડ મેળવીને લોન પર રિક્ષા તથા કાર ખરીદી હતી. તેણે અમદાવાદમાં આવીને તેના પાડોશમાં રહેતી મહિલા સાથે લગ્ન પણ કર્યા હતા. જો કે આ વાત તેણે યુપીમાં પરિવાર સાથે રહેતી પોતાની પત્નીથી છુપાવીને રાખી હતી. આમ કોઇ સામાન્ય માણસની જેમ જ તે જીવન વ્યતિત કરી રહ્યો હતો.
2006 બાદ તેણે આજસુધી ક્યારેય તેના વતન ગયો ન હતો. તેના પરિવારજનોને જરૂરી કામથી મળવું હોય તો તેઓ દિલ્હી તથા સુરતમાં મળતા. ઉપરાંત તેણે તેના પરિવારજનો સાથે ફોન પર વાતચીત પણ કરી ન હતી.
આરોપી અનિલસિંઘે પોતાની જાતને મૃત જાહેર કરાવવા પોતાના પિતા સહિત તમામ પરિવારજનો સાથે મળીને યોજના ઘડી હતી. જેમાં આરોપીના પિતાએ કાર સળગવાની ઘટના બની તેના 2 વર્ષ પહેલા જ કાર ખરીદી હતી તેનું ઇન્શ્યોરન્સ કરાવ્યું હતું અને આરોપીનો એક્સીડેન્ટલ ડેથનો 80 લાખ રૂપિયાનો વીમો ઉતરાવ્યો હતો. આરોપીએ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એક ટ્રેનમાં ભીખ માગતા ભિક્ષુકને બહેલાવી-ફોસલાવીને સારુ જમાડવાની લાલચે હોટલમાં લઇ ગયો હતો અને તેને ઘેનની દવા આપીને પોતાની સાથે કારમાં બેસાડી અવાવરું જગ્યાએ લઇ ગયો હતો. ત્યારબાદ કારનો અકસ્માત કરી કારમાંથી પોતે નીકળી ગયો હતો અને ભિક્ષુકને કારમાં બેસાડી રાખી કારને સળગાવી દીધી હતી. આ પછી આરોપી અમદાવાદ જતો રહ્યો હતો અને આ બાજુ પરિવારજનોએ પોલીસ કેસથી માંડીને વીમા રકમ ક્લેમ કરવા સુધીની તમામ પ્રવૃત્તિઓ સંભાળી હતી.