ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છ બેંચ માટેનું આંદોલન ફરી સક્રિય, કૉંગ્રેસે પણ ઝંપલાવ્યું

રાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છને ઘણી બાબતે અન્યાય થયાનો અને અસુવિધાઓ હોવાનો અવાજ વારંવાર ઉઠ્યો છે. સતત વધતા આ પ્રાંતની માગણીઓ સંતોષાતી નથી. આવી માગણીઓમાંની એક માગણી સૌરાષ્ટ્ર-કચ્છને હાઈકોર્ટની બેંચ મળે તે છે.
અહીંના બાર એસોસિયેશને આ માગણી સંતોષાય તે માટે લડત શરૂ કરી છે. રાજકોટ ભાજપ લીગલ સેલ દ્વારા પણ થોડા દિવસ પહેલા હાઈકોર્ટ બેંચ માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે. કૉંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યુગુરુએ કહ્યું કે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે આ બેંચ માટે સહમતી બની હતી, પરંતુ તે સમયે ગુજરાત સરકારે ઠરાવ પસાર ન કરતા કામ ખોરંભે ચડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જે સમયે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા તે સમયે કેન્દ્ર સરકારમાં કપિલ સિબ્બલ પ્રધાન હતા, ત્યારે મોદીએ પત્ર લખી જે રજૂઆત કરવાની હતી તે થઈ ન હતી, તેવો આક્ષેપ તેમણે મીડિયા સાથે વાત કરતા કર્યો હતો.
આ પણ વાંચો: ફરી ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન લંબાવ્યા, હવે ૩ સપ્ટેમ્બરે સુનાવણી
તેમણે ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છની અંદાજિત 2 કરોડ 10 લાખની વસ્તી છે. ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યામાં 45% થી વધુ કેસો સૌરાષ્ટ્ર-કચ્છના છે, મહારાષ્ટ્રમાં નાગપુર, કોલ્હાપુર, ઔરંગાબાદ, પણજી અને અન્ય સ્થળોએ હાઈકોર્ટની 5 સર્કિટ બેન્ચ છે, જ્યારે ઓછી વસ્તી ધરાવતા આસામમાં પણ 4 સર્કિટ બેન્ચ કાર્યરત છે.
રાજ્યગુરુએ જણાવ્યું હતું કે વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેંચ મળે તે જરૂરી છે. છેવાડાના લોકો સુધી ન્યાય પહોંચે તે માટે અલગ બેંચ હોવી આવશ્યક છે. તેમણે વકીલોની આ માગણીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.