Gandhinagar કોર્પોરેશને લાગૂ કરી એડવર્ટાઈઝમેન્ટ પોલિસી, હવે હોર્ડિંગ્સ-બેનર લગાવવા મંજૂરી ફરજિયાત
ગાંધીનગર : ગાંધીનગર(Gandhinagar) કોર્પોરેશને આઉટડોર એડવર્ટાઇઝમેન્ટ પોલિસીને મંજૂરી આપી છે. જેથી હવે શહેરના માર્ગો અને બિલ્ડીંગો ઉપર આડેધડ લાગતા હોર્ડિંગ્સ અને બેનર ઉપર રોક લગાવી શકાશે. હવે કોઈપણ સ્થળે જાહેરાત કરવા માટે કોર્પોરેશનની પૂર્વ મંજૂરી લેવાની રહેશે. જોકે સરકારી વિભાગોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. મંજૂરી વિના ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવનાર સામે દંડનીય પગલાં પણ લેવાશે.
સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી દરખાસ્ત
ગાંધીનગર શહેરમાં મુખ્ય માર્ગોની આસપાસ આડેધડ મસ મોટા હોર્ડિંગ્સ અને બેનર લગાવી દેવામાં આવતા હતા. જેના કારણે માર્ગ સલામતીને પણ જોખમ ઊભું થયું હતું ત્યારે આ મામલે છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી તૈયાર કરવામાં આવી રહી હતી. જેને સ્ટેન્ડિંગ કમિટી બાદ મેયરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરવામાં આવી હતી.
જેમાં એસ્ટેટ શાખાનું નવું માળખું મંજૂર કરાયું હતું. નવી જગ્યામાં બે એસ્ટેટ ઓફિસર, ચાર એસ્ટેટ ઇન્સ્પેક્ટર, 12 એસ્ટેટ સબ ઇન્સ્પેક્ટર, ચાર સર્વેયર, ત્રણ સુપરવાઇઝર, બે કચેરી અધિક્ષક, બે હેડ ક્લાર્ક, ચાર સિનિયર ક્લાર્ક, છ ક્લાર્ક, 120 હેલ્પર- લેબર, ચાર પટાવાળા સહિત કુલ 133 જગ્યાઓ રહેશે. આ જ પ્રકારે ઇજનેરી વિભાગનું પણ માળખું મંજૂર કરી દેવામાં આવ્યું છે.
દંડ નક્કી કરવામાં આવ્યો
ગાંધીનગર મનપાની મળેલી સામાન્ય સભામાં આઉટડોર એડવર્ટાઈઝમેન્ટ પોલિસી મંજૂર કરવામાં આવી હતી. જે પોલિસીને સભા દ્વારા મંજૂર કરી દેવામાં આવી છે. જેમાં હવે હોર્ડિંગ્સ, બેનર, કિઓસ્ક કે વાહનો પર કરવામાં આવતી જાહેરખબરો માટે પણ મનપાની મંજૂરી લેવી પડશે. જેની નિયત ફી પણ મનપાને ચૂકવવી પડશે. ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવી શકાશે અને ક્યા સ્થળોએ હોર્ડિંગ્સ નહીં લગાવી શકાય તેવા સ્થળો પણ નિયત કરવામાં આવ્યા છે. આ માટે હોર્ડિંગ્સની સાઇઝ મુજબ મહત્તમ પ્રતિ ચોરસમીટર રૂપિયા 10 હજાર સુધીનો દંડ પણ નક્કી કરવામાં આવ્યો છે.
વૃક્ષો પર પણ હોર્ડિંગ્સ -બેનર લગાવી શકાય નહીં
ગાંધીનગર શહેરમાં હાલ ગમે તે સ્થળની સાથે વૃક્ષો ઉપર પણ જાહેરાતો લગાવવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન દ્વારા એડવર્ટાઈઝમેન્ટ પોલિસી લાગૂ કરવામાં આવનાર છે. જેમાં વૃક્ષો ઉપર જાહેરાત લગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને આ પ્રકારનું કૃત્ય કરનાર એજન્સી કે સંસ્થા સામે દંડાત્મક કાર્યવાહી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.