મુખ્ય પ્રધાને ધારાસભ્યોને રોડ રસ્તા માટે વધુ બે કરોડ ફાળવ્યા, પણ શું જનતાને ખાડા વિનાના રસ્તા મળશે?

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાને ધારાસભ્યોને રોડ રસ્તા માટે વધુ બે કરોડ ફાળવ્યા છે, પણ શું જનતાને ખાડા વિનાના રસ્તા મળશે ક કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન લટકી રહ્યું છે.
મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને મહાનગરપાલિકાના પોતાના મતવિસ્તારમાં આવેલા ક્રોંકિટ, ડામરના નવા રોડ, જૂના રસ્તાઓના રિસરફેસિંગ, જે વિસ્તારમાં ડામર રોડ કે કોંક્રિટ રોડ બનાવી શકાય તેમ ન હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે.
મુખ્ય પ્રધાને શહેરી વિકાસ વિભાગની આ ગ્રાન્ટ ઉપરાંત આવા કામો માટે માર્ગ અને મકાન વિભાગની ગ્રાન્ટમાંથી ધારાસભ્યદીઠ વધારાની બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારોના 43 ધારાસભ્યોને આ હેતુસર કુલ 86 કરોડ રૂપિયા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફાળવાશે.
પ્રજાના રોષના ઘાવ પર મલમ:
આ વર્ષે ઓગષ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં પડેલા વરસાદથી અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા હતા. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને વડોદરા આ વરસાદથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ભારે વરસાદે તંત્ર દ્વારા કરવામાં આવેલા કામની પણ પોલ ખોલી નાખી હતી. ગ્રામ્ય માર્ગોથી લઈને નેશનલ હાઇવે સુધીના રસ્તાઓ વરસાદમાં ધોવાઈ ગયા હતા. કોન્ટ્રાકટર અને તંત્રની મિલીભગતના પરિણામે પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં ચોથા ગ્લોબલ RE-INVEST એક્સ્પો -2024નો કરાવશે આરંભ
જો કે વરસાદે સરકારને પણ પ્રજાનો આકરો મિજાજ બતાવી દીધો હતો. વડોદરામાં ગયેલા ભાજપના નેતાઓને પ્રજાએ જતાં વેંત જ પોંખી લીધા હતા. આ સિવાય રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ રસ્તાઓની આવી જ સ્થતિ છે. આથી હવે પ્રજાના રોષના ઘાવ પર મલમ આપવા સરકારે રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને તેમના મતવિસ્તારના રોડરસ્તાના વિવિધ કામો માટે પ્રત્યેક ધારાસભ્યને બે કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.