ગુજરાતમાં અદાણી ગ્રૂપ બે લાખ કરોડથી વધુનું રોકાણ કરશે: ગૌતમ અદાણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: અદાણી ગ્રૂપની ગુજરાતમાં આગામી ૫ વર્ષમાં ૨ લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવાની યોજના વિશે માહિતી આપી હતી, જેથી ૧ લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન થશે એવું અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ૨૦૨૪ના ઉદઘાટન સમારોહમાં બોલતા ગૌતમ અદાણીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અત્યાર સુધીની દરેક આવૃત્તિમાં સામેલ થવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. અદાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી, મહત્ત્વાકાંક્ષાઓ, સુશાસન અને ચુસ્ત અમલીકરણની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી અત્યાર સુધીમાં ભારતની જીડીપીમાં ૧૮.૫ ટકા અને માથાદીઠ આવકમાં ૧૬૫ ટકાનો વધારો થયો છે, જે ખાસ કરીને ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને મહામારીના પડકારોથી ઘેરાયેલા યુગમાં નોંધપાત્ર છે.
તેમણે ભારતના જી૨૦ના પ્રમુખપદ દરમિયાન આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત અને વડા પ્રધાનના નેતૃત્વનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, વધુ સર્વસમાવેશક વૈશ્ર્વિક વ્યવસ્થા માટે માપદંડો સ્થાપિત થયા છે, એ ભારતીય ઇતિહાસમાં એક નિર્ણાયક ક્ષણ છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ‘વિકાસશીલ ભારત’ બનાવવાના વડા પ્રધાનનાં વિઝનને કારણે આજનું ભારત આવતીકાલના વૈશ્ર્વિક ભવિષ્યને આકાર આપવા સજ્જ છે.
તેમણે અગાઉ જાહેર કરેલા રાજ્યમાં ૨૦૨૫ સુધીમાં રૂ.૫૫,૦૦૦ કરોડના રોકાણ સામે અત્યાર સુધીમાં રૂ.૫૦,૦૦૦ કરોડનું રોકાણ થઈ ચૂક્યાની જાણકારી આપતા કહ્યું હતું કે, આજે હું વધુ રોકાણ કરવા પ્રતિબદ્ધ છુ. અમે ખાવડા કચ્છમાં વિશ્ર્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ, જે ૭૨૫ ચોરસ કિલોમીટરમાં ૩૦ જીડબલ્યુ રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરે છે.