મહુધાના પૂર્વ ધારાસભ્ય, સાબરકાંઠા કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ ગરમાયું છે. ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં જોડાયા હતા. આ સાથે મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધૂ રૂપલ પંડ્યા પણ કૉંગ્રેસમાંથી છેડો ફાડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. હિંમતનગર કૉંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ સાથે પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.
મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર સી. આર. પાટીલના હાથે ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા હતા. વર્ષ ૨૦૧૭માં ઇન્દ્રજીત ઠાકોર કૉંગ્રેસના ધારાસભ્ય બન્યા હતા. મેઘરજના પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યાના પુત્ર જતીન પંડ્યા અને પુત્રવધૂ રૂપલ પંડ્યા પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. બંનેએ ૫૦૦થી વધુ કાર્યકરો સાથે પ્રદેશ ભાજપ કાર્યાલય પર આવીને બીજેપીમાં જોડાયા હતા. હિંમતનગર કૉંગ્રેસના જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યકરો પણ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પૂર્વ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. વિપુલ પટેલ હાલ સાબર ડેરીના ડિરેક્ટર છે. પાટીલે તમામ ભાજપમાં જોડાનાર તમામનું ખેસ અને ટોપી પહેરાવીને સ્વાગત કર્યુ હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે આ તમામ લોકોને આવકાર્યા હતા, જે બાદ તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી સાથે તેમ જોડાવ છો ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઇએ. આ સરકારની ગેરંટી હુંડી જેવી છે. જેમ કોઇ હુંડી આપે તેની સામે તેને વળતર મળે તેમ આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે તે તમામ કામ આ સરકારમાં પૂર્ણ થાય છે. લોકોની અપેક્ષા પૂર્ણ થાય. તમે બધાએ આજ દિન સુધી તમે જે કોઇ પાર્ટીમાં કામ કર્યુ હશે તે પાર્ટી ખરાબ છે તેવું પણ કહેવું નથી. અન્ય પાર્ટીની ટિકા કરવામાં હું માનતો પણ નથી. ભારતીય જનતા પાર્ટી લોકોના હિતમાં કામ કરે છે તમારે પણ લોકોના હિતમાં કામ કરવું છે અને મજબૂત માધ્યમ જોઇએ છે અને તેટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો.