ભૌતિક ઉન્નતિના માર્ગે આપણે પ્રકૃતિનું ભયંકર રીતે કર્યું છે શોષણ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રિ-ઈન્વેસ્ટના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, વર્તમાનમાં ગ્લોબલ વૉર્મિંગ એક ગ્લોબલ વૉર્નિંગ છે ત્યારે રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રમાં મહાત્મા મંદિરમાં ત્રણ દિવસ દરમિયાન થયેલું વૈશ્વિક ચિંતન યોગ્ય સમયે, યોગ્ય દિશાનું ચિંતન છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વ કલ્યાણની વિભાવના સાથે પ્રગતિના પંથે અગ્રેસર છે, ત્યારે ગુજરાત રિન્યુએબલ ઉર્જાના ક્ષેત્રમાં ‘લીડર’ની ભૂમિકા ભજવી રહ્યું છે. આ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભૌતિક ઉન્નતિના માર્ગે આપણે પ્રકૃતિનું ભયંકર શોષણ કર્યું છે. સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ અને જલ; આ પાંચમહાભૂતના શોષણથી પ્રકૃતિ નારાજ છે. ગ્લોબલ વૉર્મિંગ સ્વરૂપે આપણે તેના ગંભીર દુષ્પરિણામો ભોગવી રહ્યા છીએ. ભારતીય શાસ્ત્રોમાં પંચમહાભૂતને દેવતાની ઓળખ આપવામાં આવી છે. આપણે આપણા આ દેવતાઓની આરાધના કરીને, પ્રકૃત્તિના આ પંચ તત્વોનું પોષણ કરીને પ્રગતિના પંથે અગ્રેસર થવાની આવશ્યકતા છે. ચોથી વૈશ્વિક ઊર્જા ઈન્વેસ્ટર્સ મીટ આ દિશામાં મહત્વનું સોપાન બની રહેશે.
તેમણે કહ્યું કે ઊર્જા જ વિકાસનો આધાર છે. સૂર્ય, પવન, હાઈડ્રો અને ગ્રીન હાઈડ્રોજન ઊર્જાના ક્ષેત્રમાં થયેલું ચિંતન સમસ્ત જગતના કલ્યાણ માટેનું ચિંતન છે. આ માટે તેમણે ભારત સરકારના નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રાલય અને ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
ગુજરાતના વિકાસની ઈમારત મોદીએ ‘શક્તિ પંચામૃત’ના આધારે રચી-મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઇન્વેસ્ટ-ઇનોવેટ-ઇન્સ્પાયર’ના મંત્ર સાથે યોજાયેલી ચોથી RE ઇન્વેસ્ટ સમિટ ‘વસુધૈવ કુટુંબકમ’ને સાકાર કરવા સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વન સન, વન અર્થ, વન ગ્રીડ’ ના વિઝનને વેગ આપશે તેવો વિશ્વાસ આ સમિટના સમાપન પ્રસંગે વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં યોજાયેલી ત્રિદિવસીય ચોથી RE ઇન્વેસ્ટ સમિટનું સમાપન ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડજીની ઉપસ્થિતિમાં થયું હતું.
મુખ્યમંત્રીએ આ અવસરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા સુરક્ષા તથા ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઈમારત નરેન્દ્ર મોદીએ ‘શક્તિ પંચામૃત’ના આધારે રચી છે. આના પરિણામે જ ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન સાથે રિન્યુએબલ કેપિટલ બનવા તરફ આગળ ધપી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં સૂર્યથી ઊર્જાના ઉત્પાદનના મહત્તમ ઉપયોગ માટે ચારણકામાં દેશનો પહેલો સોલાર એનર્જી પાર્ક વડાપ્રધાનશ્રીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં સ્થાપ્યો હતો તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ દ્વારા જળ શક્તિનો ઉર્જા શક્તિમાં વિનિયોગ કરીને હાઇડ્રોપાવર જનરેશનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે તેની છણાવટ મુખ્યમંત્રીએ કરી હતી.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, ગયા વર્ષે રાજ્યમાં અંદાજે ૬૨ હજાર મિલિયન યુનિટ જળ વિદ્યુત ઉત્પાદન થયું છે. ઉત્તમ જળ વ્યવસ્થાપનને કારણે પમ્પ્ડ હાઇડ્રો પ્રોજેક્ટ શક્ય બન્યા છે અને રાજ્ય સરકારે આ હેતુસર ૫૦ સ્થળો આઇડેન્ટીફાય કર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું. શ્રી ભૂપેન્દ્ર પટેલે ગૌરવ સાથે જણાવ્યું કે, RE ઇન્વેસ્ટ સમિટની ચોથી કડીમાં ૯૪૬૦ મેગાવોટના પમ્પ્ડ હાઈડ્રો પ્રોજેક્ટ માટે ૫૯ હજાર કરોડ રૂપિયાના MoU ઈન્ટેન્શન્સ થયા છે.
ભારતના ગ્રીન ટ્રાન્ઝિશનની અનેકવિધ પહેલો સાથે જોડાવાના અવસર માટે વડાપ્રધાનશ્રીના વિઝનથી ૨૦૧૫થી RE ઇન્વેસ્ટ સમિટ દેશમાં યોજાય છે. આ સમિટની ચોથી એડીશનમાં ગુજરાતમાં રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણો માટે રૂ. ૩ લાખ કરોડથી વધુના MoU ઈન્ટેન્શન્સ થયા છે તેનો આનંદ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.