રિકી પૉન્ટિંગના મતે આ ભારતીય ખેલાડી છે ક્રિકેટ જગતનો આગામી સુપરસ્ટાર
સિડની: ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટ વિશ્ર્વના નામાંકિત કૅપ્ટનોમાં ગણાતા રિકી પૉન્ટિંગ (Ricky Ponting)ના એક મંતવ્યએ ભારતીય ક્રિકેટમાં જ નહીં, સમગ્ર ક્રિકેટ વર્લ્ડમાં હલચલ મચાવી દીધી છે. તેણે એવા ભારતીય ખેલાડીનું નામ લીધું છે જે તેના મતે આવનારા સમયમાં ક્રિકેટ જગતમાં સુપરસ્ટાર તરીકે ઓળખાશે.
પૉન્ટિંગ કહે છે કે ટી-20માં આવનારો સમય ઓપનિંગ પછી મોકલવામાં આવતા અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમનું સુકાન સંભાળતા ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad)નો છે.
તાજેતરમાં ઝિમ્બાબ્વે સામેની ટી-20 સિરીઝની ત્રણ મૅચમાં 7, અણનમ 77 અને 49 રન બનાવનાર ઋતુરાજ વિશે પૉન્ટિંગે ગયા વર્ષે પણ ઘણી આશા વ્યક્ત કરી હતી. ત્યારે પૉન્ટિંગે કહ્યું હતું કે ‘મને આશા છે કે ઋતુરાજને થોડા જ સમયમાં ટેસ્ટ-ટીમમાં સામેલ કરવામાં આવશે.’
ગયા વર્ષે યશસ્વી જયસ્વાલે ડેબ્યૂ ટેસ્ટના દાવમાં 171 રન બનાવ્યા ત્યારે પૉન્ટિંગે ઋતુરાજ માટે ટેસ્ટ-પ્રવેશની આશા વ્યક્ત કરી હતી.
પુણેમાં જન્મેલા 27 વર્ષનો ભરોસાપાત્ર બૅટર ઋતુરાજ છ વન-ડે અને 23 ટી-20 રમ્યો છે, પરંતુ ટેસ્ટ રમવાનો હજી સુધી તેને મોકો નથી મળ્યો.
તેણે 29 ઇન્ટરનૅશનલ મૅચમાં 750 જેટલા રન બનાવ્યા છે. જોકે માત્ર 29 ફર્સ્ટ-ક્લાસ મૅચમાં તેણે 2,041 રન અને આઇપીએલ સહિતની 140 ટી-20માં તેણે 179 સિક્સર તથા 457 ફોરની મદદથી કુલ 4,751 રન બનાવ્યા છે.