આપણું ગુજરાત

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સર્જાયેલો ગોઝારો અકસ્માતઃ માતા-પુત્રીએ ગુમાવ્યો જીવ

જામનગરઃ જામનગરની ભાગોળે ખંભાળિયા ઘોરીમાર્ગ પર સિકકા-વસઇ વચ્ચે પુરપાટ દોડતા ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઇકસવાર મહિલા અને તેની માસુમ પુત્રીનુ ગંભીર ઇજા થવાથી મોત નિપજયા હતા જયારે બાઇકચાલક યુવાનને પણ ગંભીર ઇજા સાથે 108 મારફતે સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

ભોગગ્રસ્ત મહિલા અને તેની પુત્રી જામનગરની હોસ્પિટલમાંથી દવા લઇ પતિના બાઇક પર ઘરે જતા હતા ત્યારે માર્ગમાં જીવલેણ અકસ્માત નડયો હોવાનુ જાણવા મળ્યુ છે. મળતી વિગત અનુસાર સિક્કા પંથકમાં રહેતા જુસબભાઇ સુલેમાનભાઇ સંધાર, તેના પત્ની મેમુનાબેન ઉપરાંત માસુમ પુત્રી આમના જામનગરની હોસ્પીટલમાં દવા-સારવાર અર્થે આવ્યા હતા.
તેઓ જામનગરમાં કામકાજ પુર્ણ થતા બાઇક પર પરત ઘરે જવા નિકળ્યા હતા જે વેળાએ બાઇક જામનગર ખંભાળિયા ઘોરીમાર્ગ પર વસઇ નજીક ગોલાઇ પાસેથી પસાર થઇ રહયુ હતુ ત્યારે પુરપાટ દોડતા ડમ્પર અને બાઇક વચ્ચે ધડાકાભેર ટકકર થઇ હતી.

આ અકસ્માતમાં બાઇકસવાર મેમુનાબેન(ઉ.વ. 35)ને શરીરે ગ઼ભીર ઇજા થતા તેનું ઘટનાસ્થળ પર કમકમાટીભર્યુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે માસુમ બાળકી આમના(ઉ.વ. 06)ને ગંભીર હાલતમાં 108 મારફતે સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં લઇ જવાતી હતી ત્યારે તેનું પણ મૃત્યુ નિપજયુ હતુ.

બાઇક ચાલક જુસબભાઇને પણ શરીરે ગંભીર ઇજા સાથે સારવાર અર્થે લઇ જવાયા હતા.અકસ્માતનો ભોગ બનેલા માતા-પુત્રી શુક્રવારે જામનગરની હોસ્પિટલ ખાતે દવા-સારવાર અર્થે આવ્યા હતા જે બાદ બાઇક પાછળ બેસી પરત જતા હતા ત્યારે સિકકા-વસઇ વચ્ચે ગોલાઇ પાસે ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

આ બનાવના પગલે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો. અકસ્માતના બનાવમાં માતા-પુત્રીએ જીવ ગુમાવતા પરીવારમાં માતમ છવાયો છે. જયારે સિકકામાં પણ અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યુ છે.

અકસ્માતનો ભોગ બનેલા મહિલાને સંતાનમાં ચાર બાળકો હતા જેમાં ત્રણ બાળક અને એક બાળકી હતા જેમાં માતા-પુત્રીનો અકસ્માતમાં ભોગ લેવાતા અન્ય ત્રણ બાળકોએ કુમળી વયે જ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરીવાર પર વ્રજઘાત થયો છે. અકસ્માતના ઇજાગ્રસ્ત પતિ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનુ જાણવા મળ્યુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button