અકસ્માત કેસ: લોક અદાલતના ઇતિહાસમાં સૌથી વધુ ૫ કરોડ ૪૦ લાખનું વળતર ચૂકવાયું
અમદાવાદ: ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ગુજરાત હાઇ કોર્ટ લીગલ સર્વિસસ કમિટી દ્વારા લોક અદાલત યોજાઇ હતી, જેમાં લોક અદાલત દ્વારા ૧૭૦ જેટલા કેસોમાં સમાધાનની પ્રક્રિયા કરવામાં આવી હતી. લોક અદાલતમાં વર્ષો જૂનો વાહન અકસ્માતનો વળતરનો કેસ સમાધાન માટે મુકવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધીના લોક અદાલતના ઇતિહાસની સૌથી વધુ રકમ રૂ. પાંચ કરોડ ૪૦ લાખનું વળતર ચૂકવવાની સમજૂતી થઇ હતી.ગુજરાત હાઇ કોર્ટમાં રાષ્ટ્રીય લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું તેમાં વર્ષોથી પડતર વાહન અકસ્માતના વળતરના કેસ, ચેક રિટર્નના કેસ, જમીન સંપાદનના વળતરના કેસ નિકાલ કરવા સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. જેમાં હાઇ કોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના ચેરમેન અને ન્યામૂર્તિ બીરેન વૈષ્ણવના માર્ગદર્શન, સલાહ સૂચન મુજબ પ્રથમ વખત વર્ષ ૨૦૧૪માં થયેલા અકસ્માતના કેસમાં વીમા કંપનીએ બે ઉચ્ચ મૂલ્યની એમએસટી અપીલોની શક્ય તેટલી ઝડપથી પતાવટ કરી છે.
આ કેસમાં વર્ષ ૨૦૧૪માં ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા હતા. જ્યાં નારોલ ટોલ પ્લાઝા ખાતે ડ્રાઇવરના બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગથી ટ્રક સાથે અકસ્માત થતાં ૪૦ વર્ષીય પ્રકાશભાઈ વાઘેલાનું નિધન થયું હતું. એની સામે પરિવારજનોએ ઇન્શ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતાં રૂ. ૩.૯૪ કરોડનો દાવો દાખલ કર્યો હતો.
અકસ્માતમાં મૃતક પ્રકાશભાઈ વાઘેલા બી. ટેકની ડીગ્રી ધરાવતા હતા, જેમનું વાર્ષિક પેકેજ ૩૧ લાખ રૂપિયાનું હતું. તેમની ઉપર પત્ની, બે સગીર પુત્ર અને માતા-પિતાની જવાબદારી હતી.