દેત્રોજમાં શિક્ષિકાની નિમણૂક માટે ₹૩૫,૦૦૦ની લાંચ લેતા આચાર્ય અને કલાર્ક એસીબીના છટકામાં સપડાયા
Top Newsઆપણું ગુજરાત

દેત્રોજમાં શિક્ષિકાની નિમણૂક માટે ₹૩૫,૦૦૦ની લાંચ લેતા આચાર્ય અને કલાર્ક એસીબીના છટકામાં સપડાયા

અમદાવાદઃ એસીબી લાંચિયા લોકો સામે સતત કામગીરી કરતું હોવા છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદના દેત્રોજમાંથી આચાર્ય અને ક્લાર્ક લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા.

એન્ટિ કરપ્શન બ્યુરોએ દેત્રોજમાં આવેલી શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલના આચાર્ય અને જુનિયર ક્લાર્કને ₹૩૫,૦૦૦ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. શિક્ષિકાની નિમણૂક માટે આ લાંચ માંગવામાં આવી હતી.

એક જાગૃત નાગરિક અને ટાટ પરીક્ષા પાસ કરીને શિક્ષિકા તરીકે નિમણૂક પામેલા ફરિયાદકર્તાએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીને દેત્રોજ ખાતેની શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યામંદિર સ્કૂલમાં તા. ૨૯ જુલાઈ ૨૦૨૫ના રોજ નિમણૂક મળી હતી.

ફરિયાદી શાળામાં હાજર થયા બાદ, આચાર્ય કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમણે શિક્ષકની સીટમાં EWS હેઠળ ફેરફાર કરાવીને નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ નોંધણી કરાવી છે. આ કામ માટે તેમણે ફરિયાદી પાસે ₹૩૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને આ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આચાર્ય કમલેશભાઈએ ફરિયાદીને લાંચની રકમ જુનિયર ક્લાર્ક વિમલભાઈને આપવા જણાવ્યું હતું.

વિમલભાઈએ આ રકમ સ્વીકારતા જ તેઓ બન્ને સ્થળ પર એસીબી દ્વારા પકડાઈ ગયા. એસીબીએ બન્ને આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને ફરી એકવાર ઉજાગર કર્યો હતો.

કમલેશભાઈ માણેકલાલ પટેલ: આચાર્ય, શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલ, દેત્રોજ

વિમલભાઈ ભાઈલાલભાઈ પટેલ: જુનિયર ક્લાર્ક, શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલ, દેત્રોજ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button