વિદ્યાર્થીઓએ શિક્ષકોને ભણાવ્યો પાઠ, પ્રામાણિકતાની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થી પાસ થઈ ગયા…
અરવલ્લીઃ શિક્ષકો વિદ્યાર્થીને પ્રામાણિકતા અને નૈતિકતાના પાઠ ભણાવે તેવી અપેક્ષા હોય છે, પરંતુ અહીં એક ખાનગી શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસેથી લાંચ માગી તો વિદ્યાર્થીઓએ તેમને પાઠ ભણાવ્યાની ઘટના બની છે. ગુજરાતના અરવલ્લીમાં ACBએ ટ્રેપ ગોઠવીને ત્રણ લાંચિયા શિક્ષકોને ઝડપી પાડ્યા છે. જે લાંચની રકમ ફરિયાદી આપવા માગતા નહીં હોવાથી ACBનો સંપર્ક કરતા છટકુ ગોઠવી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય મુકત વિદ્યાલયી શિક્ષા સંસ્થાન, નોઇડા (NIOS) મારફતે પરીક્ષા આપીને ડીગ્રી મેળવી શકે. તે હેતુથી 22 વિધાર્થીઓના ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરી કમલેશકુમાર પટેલની સંચાલિત શાળાઓમાં પરીક્ષા આપી હતી. કમલેશકુમાર પટેલે પરીક્ષા કેન્દ્રમાં બેસનાર વિધાર્થીઓને પાસ કરાવી આપવા ઓનલાઇન ફી સિવાય કોઇ રકમ લેવાની ન હોવા છતાં ગેરકાયદે અવેજ પેટે ફરીયાદી પાસે રૂ. એક લાખ 60 હજારની લાંચની માંગ કરી હતી.
દરમિયાન આ લાંચની રકમ ફરિયાદી આપવા ન માંગતા હોવાથી તેમણે લાંચરૂશ્વત વિરોધી બ્યુરો (Anti Corruption Bureau) નો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકા દરમ્યાન કમલેશકુમાર ગીરધરભાઇ પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તેમના વતી ઇડર ખાતેની પોતાની ઓફીસમાં કામ કરતા કાજલ ત્રિવેદી અને ઇશુ પટેલ દ્વારા લાંચની રકમ સ્વીકારી ત્રણેય આરોપીઓને રંગેહાથે પકડી પાડ્યા હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.