આપણું ગુજરાત

એસીબીનો ભ્રષ્ટાચારીઓ પર સપાટો: નવસારીમાં પોલીસ, વડોદરા ખાણ ખનીજ વિભાગ અને ચાંગોદરમાં વચેટિયો લાંચ લેતા ઝડપાયા…

અમદાવાદ: એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ લાંચિયા અધિકારી પર સકંજો કસ્યો હતો. નવસારીમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને બે પોલીસકર્મીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. તે ઉપરાંત વડોદરામાં પણ ખાણ ખનીજ વિભાગનાં ચાર અધિકારીઓ સામે લાંચ લેવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર આ કામના ફરિયાદી પ્રોહિબિશનના એક ગુનામાં આરોપી હતા અને તેમણે નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. આ જામીન હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના બદલામાં આરોપી અમૃતભાઇ વસાવાએ ફરિયાદી પાસેથી રૂ.૪૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી અને આ રકમ ચિરાગકુમાર રાઠોડને આપી દેવાનું જણાવ્યું હતું.

એકની ધરપકડ, એક પોલીસ પકડથી દૂર
જો કે ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને પોતાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફરિયાદી સાથે આરોપી અમૃતભાઇ વસાવાએ વાતચીત કરી હતી અને અન્ય આરોપી ચિરાગકુમારે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના પહેલા માળે કોમ્પ્યુટર રૂમમાં લાંચની રકમ રૂ.૪૦,૦૦૦/- સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયો હતો. જો કે અમૃતભાઇ વસાવા સ્થળ પર હાજર મળ્યો નહતો.

ખાણ ખનીજ વિભાગ અધિકારીઓ સામે ગુનો
અન્ય એક ટ્રેપમાં વડોદરાના કુબેર ભવન ખાતે ખાણ ખનીજ વિભાગમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓ – સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ ભુસ્તર શાસ્ત્રી રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી, આઈ.ટી. એક્ઝિક્યુટિવ કીરણભાઈ કાન્તીભાઈ પરમાર અને રોયલ્ટી ઈન્સ્પેકટર સંકેતભાઈ પટેલ વિરુદ્ધ રૂા.૨,૦૦,૦૦૦/-ની લાંચ લેવાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા કરવામાં આવેલી ટ્રેપ દરમિયાન આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

ચાંગોદરમાં વચેટિયો લાંચ લેતા ઝડપાયો
ચાંગોદર પોલીસ સ્ટેશનની હદમાં રીક્ષા ચલાવવા દેવાના હપ્તા પેટે દર મહિને રૂ.૫૦૦/-ની લાંચ માંગતો બાવળાનો એક યુવક એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના છટકામાં ઝડપાઇ ગયો હતો. મૂળ ધંધુકાના હડાળા ગામનો અને હાલ બાવળામાં રહેતો અજીસિંહ સામતસિંહ સોલંકી ચાંગોદર પોલીસ વતી લાંચ માંગી રહ્યો હતો. લાંચ આપવા માંગતા ન હોવાથી ભોગ બનનારે એસીબીનો સંપર્ક કર્યો હતો, જેના પગલે છટકું ગોઠવી અજીસિંહને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

આપણ વાંચો : વડોદરામાં ACBએ ખાણ ખનીજ વિભાગના બે અધિકારીને રૂપિયા 2 લાખની લાંચ લેતો ઝડપ્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button