ગુજરાતમાં ખરીફ પાકના વાવેતરમાં ફટકો, કપાસ, તેલીબિયા અને મગફળીનું પુષ્કળ વાવેતર

ગાંધીનગર: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થાય તેવી આશા હતી પરંતુ સરકારના આંકડા જોતાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે રાજ્યમાં 4 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર ઘટ્યું છે.
આ વર્ષે ઘટ્યું વાવેતર:
31 જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો જોઈએ તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતા ખરીફ પાકોનું સારું વાવેતર જોવા મળ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 74 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું. છેલ્લા 3 વર્ષની સરેરાશ કાઢતા સામાન્ય રીતે રાજ્યમાં કુલ 85 લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યારસુધીમાં 81 ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થઇ ગયું છે.
આ પણ વાંચો : દિલ્હીમાં ભારે વરસાદઃ મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદનો વરતારો
સૌથી વધુ વાવેતર કપાસનું:
કપાસના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે, અને દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં કપાસનું સૌથી વધારે વાવેતર થાય છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ આશરે 23 લાખ હેક્ટરથી વધુ જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. કપાસ બાદ રાજ્યમાં સૌથી વધુ તેલીબીયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 22.90 લાખ હેક્ટર જમીનમાં તેલીબીયા પાકોનું વાવેતર થયું છે, જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 21.80 લાખ હેક્ટર હતું. ગત વર્ષની સરખામણીએ તેલીબીયા પાકોના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેકટરનો વધારો થયો છે.
મગફળીના વાવેતરમાં વધારો:
રાજ્યના મુખ્ય તેલીબીયા પાક એવા મગફળીનું પણ રાજ્યમાં પુષ્કળ વાવેતર થયું છે. રાજ્યમાં ગત વર્ષે મગફળી પાકનું આ સમયગાળા દરમિયાન આશરે 16 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું, જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં આશરે 2.5 લાખ હેકટરના વધારા સાથે 18.80 લાખ હેકટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયું છે.
રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ બાદ ખેડૂતોએ કપાસ, મગફળી, એરંડા, તલ, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું વાવેતર શરુ કરી દીધું છે. ગતવર્ષની સરખામણીમાં રાજ્યમાં આ વર્ષે ખરીફ પાકોના વાવેતરમાં ઘટાડો થયો છે. ખરીફ પાકોના વાવેતરમાં હજુ વેગ આવશે અને વિસ્તારમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે.