ગુજરાતમાં મેઘમહેર: ભાવનગરમાં આભ ફાટ્યું, જેસરમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર!

ભાવનગર: ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. આજે બપોર સુધીમાં રાજ્યના 101 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ખાસ કરીને ભાવનગરના જેસરમાં 9.06 ઇંચ વરસાદ ખાબકતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું હતું. ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું અને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ભાવનગરમાં જળબંબાકારની સ્થિતિ
ભાવનગર જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે બુઢણાથી પાલિતાણાને જોડતા કોઝવેની રેલિંગ ધોવાઈ ગઈ હતી. આ ઉપરાંત, પાલીતાણા, મહુવા અને વલ્લભીપુરમાં પણ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી. નદીઓ બે કાંઠે વહેતી થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
રાજ્યના 101 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે સોમવારે (૧૬ જૂન) સવારે ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા દરમિયાન 101 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 78થી વધુ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં પડ્યો છે. પાલીતાણામાં 7.28 ઇંચ, મહુવામાં 6.93 ઇંચ, તળાજામાં 3.31, ગારીયાધારમાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ પણ વાંચો - વિજય રૂપાણીના નિધનથી શોક: મિત્રએ વાગોળ્યા અંતિમ પળોના સંસ્મરણો
તે સિવાય અમરેલીના રાજુલામાં 2.6 ઇંચ, સાવર કુંડલામાં 2.28 ઇંચ, જેતપુરમાં 2.05 ઇંચ, જુનાગઢમાં 1.85 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ભારે વરસાદથી સ્થાનિક લોકોમાં ખુશી અને હાશકારો જોવા મળ્યો છે, પરંતુ બીજી તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા મુશ્કેલીઓ પણ સર્જાઈ છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.