ગુજરાતમાં ત્રિ-પક્ષીય રાજનીતિના સંકેત? વિસાવદરની જીત અને ખેડૂત આંદોલનથી સંગઠન મજબૂત, કોંગ્રેસ સાઈડલાઈન!
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં ત્રિ-પક્ષીય રાજનીતિના સંકેત? વિસાવદરની જીત અને ખેડૂત આંદોલનથી સંગઠન મજબૂત, કોંગ્રેસ સાઈડલાઈન!

ઈતિહાસ બદલાશે? ગુજરાતની બે-પક્ષીય રાજનીતિમાં AAPની એન્ટ્રી: મુખ્ય વિપક્ષ બનવાના સંકેતો!

અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં ઇતિહાસમાં ત્રીજા પક્ષને સ્થાન આજદિન સુધી મળ્યું નથી. ગુજરાતના રાજકારણમાં સ્થાન મેળવવા માટે અનેક નવા, જૂન, મળેલા રાજકીય પક્ષોએ ઝંપલાવ્યું હતું પરંતુ સફળ થઈ શક્યા નહિ અને ગુજરાતની રાજનીતિ બે પક્ષોની રાજનીતિ જ રહી હતી. પરંતું છેલ્લા સમયમાં જોઈએ તો ગુજરાતમાં એક નવી પાર્ટીનો ઉદ્ભવ થઈ રહ્યો છે કે જે કદાચ આવનારા સમયમાં ગુજરાતમાં ત્રિપક્ષ રાજનીતિને આકાર આપી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે દિલ્હીના તત્કાલીન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ ગુજરાતમાં ધામા નાખ્યા હતા અને ગુજરાતમાં આપની સરકાર બની રહી હોવાના દાવા પણ કર્યા હતા. પરંતુ તે ચૂંટણીમાં જ ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક બહુમતી મળી હતી. ત્યારબાદ થોડો સમય રાજકીય હલચલો શાંત થઇ અને 2024ની લોકસભાની ચૂંટણીના સમયે ફરીથી વમળો ઉઠયા હતા પરંતુ પુનઃ શાંત થઈ ગયા હતા.

ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં વિસાવદરની ચૂંટણી ખૂબ જ નિર્ણાયક રહી હતી. આ બેઠક પર આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાય ગયા હતા. આ મુદ્દો હાઇકોર્ટમાં વિચારાધીન હોવાથી પેટા ચૂંટણી અટકી પડી હતી. અંતે વર્ષ 2025માં હર્ષદ રિબડીયાએ હાઇકોર્ટમાંથી અરજી પરત ખેંચતા ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો અને ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી.

વિસાવદરની ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને તેમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. બાદમાં ભાજપને ઉમેદવાર પસંદ કરવામાં અને પ્રચારમાં કપરા ચઢાણ ચઢવાનો વારો આવ્યો હતો. ભાજપે ચૂંટણી પ્રચારમાં તેની આખી ફોજ ઉતારી નાખી હતી, તેમ છતાં અંતે ગોપાલ ઇટાલિયાએ ભાજપને કારમો પરાજય આપ્યો હતો. વિસાવદરની ચૂંટણીમાં ભાજપના અનેક દિગ્ગજ ગણાતા નેતાઓનું પાણી મપાઈ ગયું હતું. ભાજપમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદો અંદરખાને ચાલી રહ્યા છે, અને તેવા સમયે આમ આદમી પાર્ટીએ ભાજપને ટક્કર આપીને જીત મેળવી હતી.

વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી માટે પ્રાણવાયુ પુરનારી સાબિત થઈ અને ત્યારબાદ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતને જે સક્ષમ વિપક્ષની ખોટ હતી તેનો વિકલ્પ કદાચ આમ આદમી પાર્ટી બની રહી હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે. વિસાવદરની જીત બાદ બોટાદના કડદા આંદોલને આપને નવી તાકાત આપી હતી. બોટાદમાં ખેડૂતોના ઉગ્ર વિરોધ બાદ આપના નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા, રેલીને મંજૂરી ન આપવામાં આવી, અટકાયત કરવામાં આવી અને અંતે બોટાદના હડદડ ગામે જે બન્યું તેનાથી આખા ગુજરાતમાં ચર્ચા જાગી છે. ખેડૂતોના ભાજપ સરકાર સામેના અસંતોષથી આપનું સંગઠન વધુ મજબૂત બન્યું છે.

જો કે આ બધી પરિસ્થતિઓની વચ્ચે કોંગ્રેસ ઘેરી નિંદર કરી રહી હોય તેમ ક્યાંય મુખ્ય પ્રવાહમાં નજરે ચડી નથી. રાહુલ ગાંધીએ ભલે ગુજરાતથી સંગઠન પરિવર્તનની પહેલ કરી હોય પરંતુ વિપક્ષ તરીકે સરકારને ઘેરવાના મુદ્દે કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઈ રહી છે. આથી પ્રજાના સરકાર સામેના અસંતોષ અને વિરોધનો કોંગ્રસ કોઇ રાજકીય લાભ ખાંટે તેવું દૂર સુધી દેખાઈ રહ્યું નથી, જ્યારે તેની સામે આપ ઉગ્ર વિરોધની સાથે સંગઠનને મજબૂતી આપવાના પ્રયાસોમાં લાગી રહી છે. આથી બને કે આગામી સમયમાં ભાજપની સામે મુખ્ય વિપક્ષ તરીકે કોઇ નવી પાર્ટીનો ઉદય થાય તેવું વાતાવરણ સર્જાય રહ્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button