દેડિયા પાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમુક્ત થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત આમ આદમી પાર્ટી નેતા અને દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળતા તેઓ ગુરૂવારે જેલમાંથી બહાર આવ્યા હતા. રાજપીપળાની ડિસ્ટ્રિક એન્ડ સેસન્સ કોર્ટમાં તેમના પત્ની સહિતના ત્રણ આરોપીની જામીન અરજી પર સુનાવણી બાકી હોવાથી તેમણે જેલમાં જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ગુરુવારે તેઓ પત્ની અને સાથીદાર વિના જેલમાંથી બહાર આવ્યા હતા. તા. ૧૨મી ડિસેમ્બરે ચૈતર વસાવા જેલમાં ગયા હતા. જેથી જેલમુક્ત થયેલા ચૈતર વસાવાના સ્વાગતમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઊમટ્યા હતા. જેલની બહાર આવતા ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કર્યું.
ગુરૂવાર સવારે ચૈતર વસાવાના પત્ની વર્ષાબેનને એક કલાક ગેરકાયદેસર રીતે રોકી રાખ્યા બાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં વાત ફેલાઈ જતા આદિવાસી સમાજમાં ભયંકર નારાજગી ફેલાઈ ગઈ હતી. જેથી ભાજપના નેતા ઉપર દબાણ આવતા વર્ષાબેનને જેલ તરફ જવા દીધા હતા. વર્ષાબેને જેલમાં જઈ જેલરને કોર્ટનો ઓર્ડર આપતાં તેઓ જેલમાંથી મુક્ત થયા હતા. ચૈતર વસાવાનું આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. લોકોએ ભાજપ હાય હાયના નારા પણ લગાવ્યા હતા.
જેલવાસ ભોગવીને બહાર આવેલા ચૈતર વસાવાએ જણાવ્યું હતુ કે, રાજકીય ષડયંત્રથી મને જેલ મોકલાયો હતો. હું હાઇ કાર્ટમાં જઈશ. યુવાનો અને શિક્ષિત બેરોજગાર માટે બોલીએ તે સરકારને ગમતું નથી. આદિવાસીના હક માટે લડતા રહીશુ. ભાજપથી ડરતા નથી. મારા પત્ની ત્રણ મહિનાથી જેલમાં બંધ તેના આગ્રહને લઇને વિધાનસભા લોકોને પ્રશ્ર્નો ઉઠાવવા બહાર આવ્યો છું. હું ભરૂચ લોકસભા લડીશ અને જીતીશ પણ. ડેડિયાપાડા વન કર્મીઓ પર હુમલાના કેસમાં ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની, પી.એ.અને ખેડૂત મિત્ર સહિત કુલ નવ લોકો સામે ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધાતા ધારાસભ્ય ચૈતર વસાવા ગુમ હતા અને પોલીસે તેમની પત્ની શકુંતલાબેન, ધારાસભ્યના પી.એ જીતેન્દ્ર વસાવા અને ખેડૂત રમેશ વસાવાની પોલીસે સૌથી પહેલા ધરપકડ કરી હતી.