Ram Mandir: રામ ધૂન, સુંદરકાંડ અને મહાપ્રસાદ, AAPના ગુજરાત યુનિટે ત્રણ દિવસનો કાર્યક્રમ જાહેર કર્યો

અમદાવાદ: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થાવની છે, કોંગ્રેસના મોટા નેતાઓએ આ સમારોહથી અલગ રહેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી હિંદુ મતદારોને નારાજ કરવા નથી ઈચ્છતી. આ માટે આમ આદમી પાર્ટી(AAP)એ ત્રણ દિવસનો કાર્યક્રમ બનાવ્યો છે, AAP ના ગુજરાત એકમે 20 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે રાજ્યભરમાં અનેક કાર્યક્રમોની જાહેરાત કરી હતી.
AAPના રાજ્ય એકમના પ્રમુખ ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, “20 જાન્યુઆરીએ, પાર્ટી રાજ્યભરના તમામ જિલ્લા કેન્દ્રો અને મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે સુંદરકાંડના પાઠનું આયોજન કરશે. 21 જાન્યુઆરીએ રાજ્યમાં તાલુકા કક્ષાના કેન્દ્રો પર રામ ધૂન થશે અને 22 જાન્યુઆરીએ રાજ્યભરના તમામ જિલ્લા કેન્દ્રો અને મહાનગરપાલિકા સ્તરે મહા આરતી, રામ ધૂન અને મહાપ્રસાદનું વિતરણ થશે.” તેમણે વધુમાં કહ્યું કે, “જે સમયે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે આટલો મોટો ઉત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે દેશ રામ મંદિરના અભિષેક પછી રામ રાજ્ય જોવાની રાહ જોઈ રહ્યો છે.”
કોંગ્રેસે આ કાર્યક્રમથી પોતાને દૂર રાખવાનો નિર્ણય લાર્યો હોવા અંગે તેમણે કહ્યું કે, “અમે અમારી પાર્ટી વિશે વાત કરી શકીએ છીએ. અમે કોઈને સલાહ આપી શકતા નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે જ્યારે ભગવાન રામના મંદિરનો અભિષેક થઈ રહ્યો છે ત્યારે તેમાં રાજકારણ ન કરવું જોઈએ. વ્યક્તિએ પક્ષના રાજકારણથી ઉપર ઊઠવું જોઈએ અને બધાએ તેને આદરપૂર્વક સ્વીકારવું જોઈએ.”