Kutch: ગાંધીધામ નકલી ED કેસમાં હવે AAPના નેતા ઈટાલિયા-સોરઠિયાની થશે તપાસ
ભુજઃ થોડા દિવસ પહેલા ગાંધીધામ ખાતે એક ઝવેરીની પેઢી પર બનાવટી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની (ED) ટુકડીના બનાવ બાદ ભારે ચર્ચા જાગી છે. આ ચકચારી કેસના આરોપી અબ્દુલ સતાર માંજોઠી આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું ખૂલ્યા બાદ રાજકીય આરોપ પ્રત્યારોપો શરૂ થયા છે. હવે આ મામલે આપના મોટા નેતાઓની તપાસ થવાની છે.
હવે આપના નેતાની થશે તપાસ
ગાંધીધામની ઝવેરીની પેઢી અને તેમના રહેણાક મકાનો પર નકલી ઈડીની ટુકડી બનાવીને રૂપિયા 25 લાખના દાગીના ચોરી જવાના કેસમાં પોલીસે ઝડપેલા માસ્ટર માઇન્ડ અબ્દુલ સતાર માંજોઠી આપના નેતા હોવાનું ખૂલ્યું છે. પોલીસે તેની પૂછપરછ હાથ ધરી છે અને તે દરમિયાન પોલીસને તેની પૂછપરછમાં રાજકીય પક્ષ સાથેના નાણાકીય વ્યવહારો પ્રકાશમાં આવ્યા છે. તેને પગલે હવે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા આપના નેતા ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સહિતના નેતાઓની પૂછપરછ કરવામાં આવશે.
પૈસા પાર્ટી માટે વાપરતો હોવાનું ખૂલ્યું
પ્રાપ્ત વિગતો અનુસાર નકલી ઈડી દરોડાના કેસમાં પૂર્વ કચ્છ પોલીસે ગણતરીની કલાકોમાં બાર આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા બાદ પોલીસ તપાસમાં આપના નેતા અને મુખ્ય સૂત્રધાર અબ્દુલ સત્તાર માંજોઠીએ ઠગાઇના પૈસા પાર્ટીમાં વાપરતો હોવાનું કબૂલ્યું હતું. આ અંગે પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમારે વિગતો આપતા કહ્યું હતું કે, ભુજમાં બે મહિના પહેલાં સર્કિટ હાઉસમાં આપના નેતા ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિયા સાથે આરોપી અબ્દુલ સત્તાર માંજોઠીની બેઠક થઈ હોય અને બાદમાં આ કબૂલાત કરવામાં આવી હોવાથી જરૂરિયાત જણાશે તો આપના નેતા ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાની પૂછપરછ કરવામાં આવશે.
Also read:Mumbai Votes: …આ કારણે આમ આદમી પાર્ટીએ કરી રાતપાળી
આ મામલે શરૂ થયું ટ્વીટર વોર
પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામની ઝવેરીની પેઢી પર નકલી ED બનીને દરોડા પાડવાના કેસના મુખ્ય આરોપી અબ્દુલ સતાર માંજોઠી પશ્ચિમ કચ્છ ઝોનનો પૂર્વ મહામંત્રી હોવાનું ખૂલ્યું હતું. ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તસવીરો સાથે ટ્વીટર એક્સ પર જાહેર કર્યા બાદ આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટીએ પણ વળતો પ્રહાર કરીને 13 સભ્યોની બનેલી બનાવટી ઇડીની ટુકડીનું કહેવાતું નેતૃત્વ કરનારા અબ્દુલ સતાર માંજોઠીની કચ્છના ભારતીય જનતા પાર્ટીના સંસદ વિનોદ ચાવડા સાથેની તસ્વીરો ટ્વીટ કરી છે.