માવઠીયે મૂંઝાયેલા જગતાતને તત્કાળ ચૂકવો સહાય: આપ પાર્ટીનો CMને પત્ર
પાકનો સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે. સાથે સાથે અમારી માંગણી એ પણ છે કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ સર્વે કરાવીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે તેવી મારી એક ધારાસભ્ય તરીકે માંગણી છે. ગુજરાતમાં જે માવઠું થયું તેનાથી મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં વધતે ઓછે અંશે અસર જોવા મળી છે.
ઉત્તર ગુજરાતમાં બાજરી અને કેટલાક કઠોળના વાવેતરમાં અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને નુકસાન થયું છે, કેળનો પાક પડી ગયો છે, શેરડી પડી ગઈ છે, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે, બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાત, ભાવનગર – તલાલા જેવી તમામ જગ્યાએ વધતે ઓછે અંશે બાગાયતી પાકોને સામાન્ય પાકોને નુકસાન થયું છે. ડેડીયાપાડામાં વીજળી પડવાના કારણે બાળકોનું અવસાન થયું છે.
આમ આદમી પાર્ટીના બોટાદ વિધાનસભાના ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે, હાલ ઉનાળાના સમયમાં બોટાદ, ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોને ઉનાળુ પાકમાં ખૂબ જ મોટું નુકસાન થયું છે. બાજરી, જુવાર, તલ સહિત બાગાયતી પાકોમાં ખેડૂતોને મોટાપાય નુકસાન થયું છે. ખાસ કરીને ભાવનગરના સોસીયાના ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. આ સિવાય દાડમ અને ચીકુમાં પણ ખેડૂતોને મોટાપાય નુકસાન થયું છે.
આ પણ વાંચો: મોદીની ગેરંટી સામે કેજરીવાલની ગેરંટી, AAPની દેશવાસીઓને 10 ગેરંટી
ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે આ તમામ નુકસાનનો સર્વે કરાવે. જો ચાર દિવસ કે છ દિવસ પછી કોઈ અધિકારી સર્વે કરવા જાય તો ખેતરમાં નુકસાન ઓછું જોવા મળતું હોય છે. માટે તાત્કાલિક ધોરણે સર્વે કરનાર સ્ટાફ ખેતરોમાં પહોંચે એ અમારી માંગણી છે, અને સમયની જરૂરિયાત પણ છે. બીજી મહત્વની બાબત એ છે કે સરકાર સર્વેની તાત્કાલિક જાહેરાત તો કરે છે પરંતુ તેનો અમલ કરવામાં ઘણો સમય થઈ જાય છે. ભૂતકાળના જેટલા પણ દાખલા જોઈએ તો મોડા સર્વે કરવાના કારણે સાચા લાભાર્થીઓ રહી જાય છે અને ઘણા લાંબા સમય સુધી વળતર પણ ચૂકવવામાં આવતું નથી. સરકાર તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓનું નિવારણ કરે. અમારી માગણી છે કે ફક્ત એક અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં સરકાર વળતરની રકમ જમા કરાવે. સાથે સાથે સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે કોઈપણ સાચો લાભાર્થી છૂટી ન જાય. સાદા પાકના નુકસાન અને બાગાયતી પાકના નુકસાનની સાથે સાથે વીજળી પડવાના કારણે જેમની મૃત્યુ થઈ છે એમાં પણ સરકાર પોતાના તરફથી તાત્કાલિક ધોરણો અને રકમો જાહેર કરે એવી અમારી માંગણી છે.