AAPના Chaitar Vasavaનો માસ્ટર સ્ટ્રોકઃ નામાંકનની રેલીમાં આ બે મહિલાને આપ્યું આમંત્રણ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણી દરમિયાન ઉમેદવારો ઉપરાંત પણ ઘણા નવા ચહેરાઓ બહાર આવતા હોય છે અને સકારાત્મક કે નકારાત્મક રીતે લોકો તેમને ઓળખતા થાય છે કે યાદ કરે છે. હાલમાં જે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ છે, તેમાં શરૂઆતથી જ નવા ચહેરાઓ ઉમટી રહ્યા છે અને તેમાં પણ મહિલાઓનો દબદબો છે. ગુજરાતની વાત કરીએ તો ક્ષત્રિય સમાજની મહિલાઓએ રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે મોરચો ખોલ્યો છે. પદ્મિનીબા વાળા સહિતની મહિલાઓ ઠેર ઠેર વિરોધ નોંધાવી રહી છે. તો બીજી બાજુ દેશની વાત કરીએ તો દિલ્હી ખાતે રાજધાનીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલ (Sunita Kejriwal) અને ઝારખંડના પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનના પત્ની કલ્પના સોરેન (Kalpna Soren) તાની સામે પ્રત્યક્ષ રીતે આવી રહ્યા છે.
ALSO READ : પત્ની સુનીતાએ વાંચ્યો CM કેજરીવાલનો સંદેશ, જાણો શું છે ‘કેજરીવાલ કી ગેરંટી’
આ બન્ને મહિલાઓ હવે ગુજરાતમાં પણ ભૂમિકા ભજવે તેવી સંભાવના છે. ગુજરાતના ભરૂચ જિલ્લાના આમ આદમી પક્ષના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાની ઉમેદવારીપત્રક ભરવાની રેલીમાં આ બન્ને મહિલાઓને સામેલ થવા આમંત્રણ આપ્યું છે. પોતે આપના ઉમેદવાર છે એટલે સુનીતા કેજરીવાલની હાજરી પક્ષ માટે મહત્વની બની રહે ત્યારે કલ્પના સોરેન આદિવાસી સમાજના નેતા હેમંત સોરેન પરિવારના છે અને ભાજપે આદિવાસી સમાજના નેતાને જેલમાં પૂર્યા છે તેવી વાત કહી તેઓ આદિવાસી સમાજને અપીલ કરી શકે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ વસે છે. સામે પક્ષે ભાજપે પણ છ ટર્મથી જીતી રહેલા આદિવાસી નેતા મનસુખ વસાવાને ફરી ટિકિટ આપી છે. જોકે આ બેઠકમાં ખૂબ જ ભારે રસાકસી અત્યારથી જ જોવા મળે છે ત્યારે આ બન્ને મહિલાઓની સભાઓ ચૈતર માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. વસાવા લગભગ 16થી 18 એપ્રિલ દરમિયાન નામાંકન ભરશે ત્યારે આ બન્ને મહિલાઓ તેમાં હાજર રહે તેવી સંભાવના છે.