આપણું ગુજરાત

આમ આદમી પાર્ટીના ગુજરાતના આ MLAના પત્નીને પોલીસે કર્યા જેલભેગા, MLA વોન્ટેડ

ગુજરાતના નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી ધારાસભ્ય બનેલા અને લોકસભા માટે આમ આદમી પાર્ટીના પ્રબળ દાવેદાર મનાતા નેતા ચૈતર વસાવાના પત્ની અને PAની પોલીસે ધરપકડ કરી છે. આદિવાસી વિસ્તાર ડેડિયાપાડા સ્થિત તેમના ઘરે સ્થાનિક ફોરેસ્ટ ઓફિસર સાથે બોલાચાલી થતા ચૈતર વસાવાએ ઓફિસર પર ફાયરિંગ કર્યુ હોવાનો આરોપ મુકી તેમની સામે ફરિયાદ દાખલ થઇ છે. આ કાર્યવાહી બાદ MLA ચૈતર વસાવા ફરાર છે.

‘સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ’ લાવવા તેમજ ધાકધમકી આપી ફાયરિંગ કર્યાના તથા પૈસા પડાવ્યાનો ફોરેસ્ટ અધિકારીએ આરોપ મુક્યો છે. મૂળ સુરતના અને હાલ ડેડિયાપાડામાં ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા શિવરાજ ચૌધરી નામના આ અધિકારીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાં કેટલાક આદિવાસી ખેડૂતોએ દબાણ કરીને ખેતી કરી હતી, જેનો ફોરેસ્ટ વિભાગે નાશ કરીને દબાણ દૂર કર્યો હતો.

આ મામલે ચૈતર વસાવાએ ફોરેસ્ટ અધિકારીને પોતાના ઘરે વાતચીત માટે બોલાવીને પાક નુકસાનના વળતરની માગણી કરતા બોલાચાલી કરી હતી અને જો પોતે વળતર ન ચૂકવે તો મારી નાખવાની ધારાસભ્યે ધમકી આપી હોવાનો ફોરેસ્ટ ઓફિસરે આક્ષેપ કર્યો હતો. આ દરમિયાન એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું તેવો FIRમાં ઉલ્લેખ છે. પોલીસે MLAના પત્ની સહિત PAની ધરપકડ કરી ચૈતર વસાવાને વોન્ટેડ જાહેર કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button