AAPએ સૌથી પહેલા પોતાનો લોકસભાનો ઉમેદવાર જાહેર કરી દીધો

અમદાવાદઃ આમ આદમી પક્ષ આ વખતે પહેલીવાર ગુજરાતમાંથી પણ લોકસભાના ઉમેદવારો ઊભા રાખશે. કેન્દ્રીય સ્તરે હજુ ઈન્ડિયા ગઠબંધનની બેઠકો ચાલી રહી છે, પરંતુ આપના સ્થાપક અરવિંદ કેજરીવાલે ગુજરાતની લોકસભા બેઠક પરથી તેમનો પહેલો ઉમેદવાર જાહેર કરી દીધો છે. દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે વિશાળ રેલી સંબોધી હતી. આ સંબોધન દરમિયાન તેમણે ડેડિયાપાડાના વિધાનસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. આ સાથે તેમણે આદિવાસી સમાજને ટકોર કરી હતી. ચૂંટણી પહેલા ચૈતર વસાવા જેલની બહાર ન આવે તો તેને જીતાડવાની જવાબદારી તમારી છે. આ લડાઈ આદિવાસીઓના સન્માનની લડાઈ છે.
જંગી જનમેદનીને સંબોધતા દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે જણાવ્યું હતું કે, હું દિલ્હીથી આવ્યો છું અને પંજાબના મુખ્ય પ્રધાન પણ મારી સાથે આવ્યા છે. આવતીકાલે અમે સરકારની પરવાનગી લઈને ચૈતર વસાવાને જેલમાં મળવા માટે જઈશું. અને પ્રજાનું સમર્થન હોય તો અમે પ્રજાનો સંદેશો ચૈતર વસાવાને પહોંચાડીશું કે ચૈતર વસાવાની સાથે સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ ઊભો છે. કેજરીવાલે જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આવનાર લોકસભાની ચૂંટણીના આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા બેઠકના સત્તાવાર ઉમેદવાર રહેશે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું કે, આ લોકોએ ચૈતર વસાવાની ધરપકડ કરી છે પરંતુ હું આજે જાહેરમાં કહું છું કે ચૈતર વસાવા મારો નાનો ભાઈ છે. દુઃખની વધુ વાત તો એ છે કે આ લોકોએ ચૈતર વસાવાની પત્ની શકુંતલાબેનની પણ ધરપકડ કરી છે. શકુંતલાબેન સમગ્ર આદિવાસી સમાજની વહુ છે, એટલે સમાજનું અપમાન થયું છે.
જોકે ભરૂચ બેઠક પર અગાઉ કૉંગ્રેસ પણ દાવો કરી ચૂકી છે કૉંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની દીકરી મુમતાઝે અહીંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હાલમાં અહીં ભાજપના આદિવાસી નેતા મનસુખ વસાવા છ ટર્મથી સાંસદપદે છે. જોકે મનસુખ વસાવા પોતે જ ભાજપથી નારાજ હોવાનું વારંવાર બહાર આવે છે. ગુજરાતની આ બેઠક ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ ચર્ચામાં આવી ગઈ છે.