Mehsana : A young man's throat was slit with a Chinese rope
આપણું ગુજરાતમહેસાણા

મહેસાણામાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, રાજ્યમાં 15 દિવસમાં ત્રીજી ઘટના

મહેસાણાઃ ઉત્તરાયણને હજુ દોઢ મહિનાની વાર છે. રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં છૂટથી મળી રહી છે. રાજ્યમાં ચાઇનીઝ દોરીએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો હતો. મહેસાણામાં એક વ્યક્તિનું દોરીથી ગળું કપાઈ જતા મોત થયું હતું. આંબલિયાસણ રેલવે ઓવરબ્રિજ આ બનાવ બન્યો હતો. યુવક પોતાની પત્ની સાથે બાઈક પર જતો હતો ત્યારે ઘટના બની હતી. પત્નીની નજર સામે જ પતિનું ગળું કપાઈ જતાં આક્રંદ કર્યું હતું. રાજ્યમાં ચાઇનીઝ દોરીથી ગળું કપાવાની આ ત્રીજી ઘટના હતી.

પત્ની સાથે જતો હતો યુવક
મહેસાણાના બલિયાસણનો 25 વર્ષનો યુવક મહેશ ઠાકોર પોતાની પત્ની સાથે ભાસરિયા હાઇવેથી આંબલિયાસણ સ્ટેશન તરફ રેલવે ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ચાઇનીઝ દોરી ગળામાં ફસાઈ જતાં ગળું ચિરાઈ ગયું હતું. ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે સારવાર દરમિયાન જ યુવકનું મોત નિપજ્યું હતું. એકના એક દિકરાનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અમદાવાદ-સુરતમાં બની હતી ઘટના
થોડા દિવસ પહેલાં અમદાવાદમાં ચાઇનીઝ દોરીથી 27 વર્ષના યુવકનું મોત થયું હતું. જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. સુરતના અમરોલી વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલા મોટરસાયકલ ચાલકનું ચાઈનીઝ દોરીના કારણે ગળુ કપાયું હતું. દોરીનો ઘા એટલો જબરદસ્ત હતો કે, ગળાની ત્રણ નસો કપાઈ ગઈ હતી. આ યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો. સમયસર સારવાર મળવાથી તેનો જીવ બચ્યો હતો.

આ પણ વાંચો…આઈસક્રીમ કે તાપણું? સુરતના ત્રણ બાળકના મોતનું જવાબદાર કોણ?

સુરતમાં એક યુવકના મોત બાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. સુરતમાં 16 જાન્યુઆરી, 2025 સુધી સુરતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Back to top button