નેટ પ્રેક્ટિસ કરતા યુવાનને આવ્યો હાર્ટ એટેક ને…
યુવાનોમાં હાર્ટ એટકેનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. આરોગ્ય પ્રધાન સહિત સૌ કોઈ આ મામલે ચિંતિત છે, પરંતુ આવી ઘટનાઓ વારંવાર નોંધાયા કરે છે. ખાસ કરીને રમતા રમતા કે કોઈ પ્રવૃત્તિ કરતા સમયે જ એટકે આવવાના અને ડોક્ટર પાસે પહોંચતા પહેલા જ મૃત્યુ થવાના કિસ્સા વધતા જાય છે. આવો વધુ એક કિસ્સો મહેસાણામાં બન્યો છે. અહીં એક 20 વર્ષીય યુવાન ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તે મૃત્યુ પામ્યો છે.
મહેસાણામાં વિદ્યાર્થીનું હોર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં નાગલપુર કોલેજમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થતા પંથકમાં ચકચાર મચી છે. નેટ પ્રેક્ટિસમાં બોલિંગ નાખતા હાર્ટ એટેક આવ્યો હતો. મનીષ પ્રજાપતિ નામના 20 વર્ષીય યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર મહેસાણાના નાગલપુર કૉલેજના વિદ્યાર્થી મનીષ પ્રજાપતિ ક્રિકેટની નેટ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. તે બોલિંગ કરી રહ્યો હતો અને અચાનક જ પડી ગયો હતો. તે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. સ્વાભાવિકપણે યુવાનના પરિવાર અને મિત્ર વર્તુળમાં શોકનો માહોલ છે જ્યારે તેની સાથે રમતા અન્ય ખેલાડીઓમાં પણ ડર જોવા મળ્યો હતો.
વારંવાર વધતી આવી ઘટનાઓ બાદ આરોગ્ય ખાતાએ ખાસ તાકીદ કરી છે કે જેમને કોરોનાનો સંસર્ગ થયો હોય અને તે સમયે વધારે સમસ્યાઓ સર્જાઈ હોય તેવા અને અન્ય બીમારીથી પીડિત લોકોએ વધારે પડતી કસરત ન કરવી અથવા તબીબી સલાહ બાદ જ શારીરિક શ્રમ કરવો.